ટ્રમ્પની ધમકીઓ સામે ભારતનું વ્યૂહાત્મક મૌન : ભારતની વિદેશ નીતિ કસોટીની એરણ પર, રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખી સમાધાનકારી વલણની રણનીતિ
ભારત સામે રેસીપ્રોકલ ટેરિફ લગાવવાના ટ્રમ્પના નિર્ણય બાદ ભારતના વ્યાપાર અને ઉદ્યોગ ખાતાના મંત્રી પિયુષ ગોયલ મારતે ઘોડે અમેરિકા પહોંચ્યા હતા.
ભારત અમેરિકાને સ્ટીલ, એલ્યુમિનિયમ, ફાર્માસ્યુટિકલ્સ અને ટેક્સટાઇલ જેવા ક્ષેત્રોમાં મોટા પ્રમાણમાં નિકાસ કરે છે. જો ટ્રમ્પ 2 એપ્રિલ, 2025થી આ નીતિ લાગુ કરે, તો ભારતીય નિકાસ પર નોંધપાત્ર અસર પડી શકે છે, ખાસ કરીને નિકાસકારોની નફાકારકતા ઘટી શકે છે અને ભારતીય ઉત્પાદનો અમેરિકી બજારમાં મોંઘા થઈ શકે છે.એ સંજોગોમાં પિયુષ ગોયોલની મુલાકાતનું મહત્વ વધી ગયું છે.
આ મુલાકાત દ્વારા ભારતે ટ્રમ્પ પ્રશાસન સાથે સીધી વાટાઘાટો કરવાની અને રેસિપ્રોકલ ટેરિફની અસરને ઘટાડવાની ઇચ્છા દર્શાવી હોઈ શકે છે. ગોયલની મુલાકાતનો હેતુ અમેરિકી ઉત્પાદનો પર ટેરિફમાં વધુ ઘટાડાની તૈયારી અને બદલામાં ભારતીય નિકાસ પર ટેરિફ ન લાગે તેવી ખાતરી મેળવવાનો હોઈ શકે છે. વિશ્લેષકો તેમની મુલાકાતને ભારતના આર્થિક હિતોને સુરક્ષિત રાખવા માટે જરૂરી એવા એક રાજનૈતિક સમાધાનના પ્રયાસ તરીકે મૂલવી રહ્યા છે.નોંધનીય છે કે
ટ્રમ્પે ચીન અને કેનેડા પર ટેરિફ લગાવ્યા બાદ એ બંને દેશોએ વળતો ટેરિફ લગાવી અમેરિકાને પડકાર ફેંક્યો છે. પરંતુ ભારતે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ઊલટાની કેટલીક વસ્તુઓ પર ટેરિફ ઘટાડી ટ્રમ્પને શાંત કરવાનો પ્રયત્ન કર્યો છે.ભારતે તેલ જુઓ તેલની ધાર જુઓ નું વલણ અપનાવી વ્યૂહાત્મક મૌનની રણનીતિ અખત્યાર કરી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, બંને દેશોએ મીની ટ્રેડ ડિલ પર ચર્ચા કરી હતી. જો કે એ કરાર અમેરિકા માટે ફાયદાકારી ન હોવાનું જણાવી જો બાઇડન વહીવટીતંત્ર દ્વારા રદ કરવામાં આવ્યો હતો, 2023માં, યુએસ-ભારતનો દ્વિપક્ષીય વ્યાપાર 190.08 અબજ યુએસ ડોલર સુધી પહોંચ્યો હતો, જેમાં ચીજ વસ્તુઓનો હિસ્સો 123.89 અબજ યુએસ ડોલર અને સેવાઓનો હિસ્સો 66.19 અબજ યુએસ ડોલર હતો. ભારતની યુએસમાં વ્યાપારિક નિકાસ 83.77 અબજ યુએસ ડોલર હતી, જ્યારે આયાત 40.12 અબજ યુએસ ડોલર હતી. જેનાથી ભારત સાથેના વ્યવહારમાં અમેરિકા ખાતે 43.5 ડોલરની હતી
એ ખાતું સરભર કરવા માટે યુએસ ભારતમાં ઊર્જા અને શસ્ત્રોની નિકાસ વધારવાનું લક્ષ્ય રાખે છે. હાલમાં ભારત સાથેના વેપારમાં એ ક્ષેત્રોમાં રશિયાનું મજબૂત સ્થાન છે. વોશિંગ્ટન ઔદ્યોગિક માલ, ઓટોમોબાઇલ અને કૃષિ ઉત્પાદનોની નિકાસ પણ વિસ્તારવા માંગે છે.આ સંજોગોમાં ટ્રમ્પની શરતો ને માન આપવા માટે ભારતે પરંપરાગત રાષ્ટ્રોના આયાત હિસ્સામાં મોટા ઘટાડો કરવો પડશે.
પિયુષ ગોયલની મુલાકાત દરમિયાન વચ્ચેનો રસ્તો કાઢવાની કવાયત
ટ્રમ્પનો એપ્રિલની શરૂઆતથી ભારત સહિતના વેપારી ભાગીદારો પર પરસ્પર ટેરિફ લાદવાનો નિર્ણય ભારતીય નિકાસકારો માટે ઓટોમોબાઇલ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં ચિંતાનું કારણ બન્યો છે. સિટી રિસર્ચના વિશ્લેષકો ભારત માટે લગભગ 7 અબજ યુએસ ડોલરના વાર્ષિક નુકસાનનો અંદાજ લગાવે છે. યુએસની તેમની મુલાકાત દરમિયાન ગોયલેવનવા ટેરિફ પર સ્પષ્ટતા મેળવવા ઉપરાંત ભારતીય વેપાર પર તેની અસરને ઘટાડવાની રણનીતિઓ શોધવા માટે પ્રયાસ કર્યા હોવાની સંભાવના છે. તેમની ચર્ચાઓમાં ભારત તરફથી સંભવિત છૂટછાટો અને ટેરિફ ઘટાડીને દ્વિપક્ષીય વેપારને વધારવા માટે વ્યાપક વેપાર કરારનો પણ સમાવેશ સમાવેશ અપેક્ષિત ગણાય છે. આ અગાઉ હાઇ – એન્ડ મોટરસાયકલ,લકઝરી કાર અને બોર્બન વ્હિસ્કી પર ટેરિફ ઘટાડ્યા બાદ ભારતીય અધિકારીઓએ હવે ઓટોમોબાઇલ, કૃષિ ઉત્પાદનો, રસાયણો, મહત્વની ફાર્માસ્યુટિકલ્સ, તબીબી ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ પર ડ્યુટી ઘટાડવાની ચર્ચા કરી હોવાનું અનુમાન છે.
‘પાકી ભાઈબંધી’ અને વૈશ્વિક દબદબાના દાવા સામે સવાલ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ
ટ્રમ્પના સતત ભારત-વિરોધી નિવેદનોએ મોદીની ‘પરમ મિત્રતા’ના દાવા પર સવાલ ઉભા કર્યા છે. ભારતમાં વિપક્ષ આને મોદી સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા તરીકે રજૂ કરી શકે છે. જો મોદી અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ ઘટાડે, તો તે ઘરઆંગણે ટીકાનો સામનો કરી શકે છે, કારણ કે આનાથી સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થવાની શક્યતા છે. બીજી તરફ, જો ભારત ટેરિફ ન ઘટાડે અને ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરે, તો નિકાસ આધારિત ઉદ્યોગોને ફટકો પડશે, જે આર્થિક વૃદ્ધિને અસર કરશે. ટ્રમ્પની ધમકીઓ ભારતના વૈશ્વિક પ્રભાવને પડકારે છે, પરંતુ ભારતનું મૌન અને સમાધાનની નીતિ તેની વ્યૂહાત્મક પરિપક્વતા દર્શાવે છે. બીજી તરફ આનાથી મોદીના ‘વિશ્વમાં ભારતનો અભૂતપૂર્વ દબદબો હોવાના દાવાને નુકસાન થઈ શકે છે. મોદી સરકાર આ બંનેમાંથી સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં ટેરિફ ઘટાડાને એક વ્યૂહાત્મક ચાલ તરીકે જોવામાં આવે છે.ભારતે ટેરિફ ઘટાડીને પહેલેથી જ ટ્રમ્પને સકારાત્મક સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, જેનાથી વળતા ટેરિફની જરૂર ન પડે.
ટેરિફ ઘટાડાની નીતિ બેધારી તલવાર જેવી
વિશ્લેષકો માને છે કે અમેરિકી ઉત્પાદનો ઉપર મોદી હજુ પણ વધુ ટેરિફ ઘટાડી શકે છે.ભારતે પહેલેથી જ કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડ્યા છે અને પિયુષ ગોયલની મુલાકાત દર્શાવે છે કે વધુ ઘટાડાની તૈયારી ચાલુ છે. ટ્રમ્પ સાથેના સંબંધોને સુધારવા અને નિકાસને સુરક્ષિત રાખવા માટે ભારત આવી સમાધાન કરી રણનીતિ અપનાવી શકે છે. જાણકારો ના મત મુજબ ટૂંકા ગાળામાં આ નીતિ ટેસ્લા જેવા રોકાણોને આકર્ષી શકે છે અને વેપાર યુદ્ધ ટાળી શકે છે. પરંતુ લાંબા ગાળે, જો અમેરિકા ભારત પર દબાણ વધારે, તો સ્થાનિક ઉદ્યોગોને નુકસાન થવાનો ખતરો છે.