વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભારતના ડંકા વાગ્યા: વૈશ્વિક વિકાસમાં ભારતનો 20% ફાળો, WEF પ્રમુખ બ્રેન્ડે ભારત પર ઓળઘોળ
દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠક દરમિયાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમના પ્રમુખ બોર્જ બ્રેન્ડે ભારતની આર્થિક શક્તિ અંગે અત્યંત આશાવાદ વ્યક્ત કર્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે 2026 દરમિયાન ભારત મોટા અર્થતંત્રોમાં સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર બની શકે છે અને વૈશ્વિક કુલ વિકાસમાં ભારતનો ફાળો આશરે 20 ટકા સુધી પહોંચી શકે છે.
બોર્જ બ્રેન્ડેના જણાવ્યા અનુસાર ભારતનો વિકાસ માત્ર પોતાના સુધી જ સીમિત નથી, પરંતુ તેની અસર સમગ્ર વિશ્વની આર્થિક ગતિ પર પડે છે. ભારતની વૃદ્ધિ એટલી વિશાળ છે કે તે વૈશ્વિક અર્થવ્યવસ્થાને પણ આગળ ધપાવે છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયેલા ઝડપી અને અસરકારક આર્થિક સુધારાઓને ભારતની મજબૂત વૃદ્ધિનું મુખ્ય કારણ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે “મેં સુધારાઓની અપેક્ષા રાખી હતી, પરંતુ જેટલી ઝડપ અને દ્રઢતાથી તે અમલમાં આવ્યા છે, તેનાથી હું ભારતીય અર્થવ્યવસ્થાને લઈને વધુ બુલિશ છું.”
આ પણ વાંચો :ભાજપમાં આજથી ‘નવીન’યુગનો પ્રારંભ: ભાજપના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા, આજે નીતિન નવીનનું પદગ્રહણ
WEF પ્રમુખે ભારત અને અમેરિકા વચ્ચે સંભવિત ટ્રેડ ડીલ અંગે પણ ચર્ચા કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે વેપાર કરાર થાય તો ભારતની વૃદ્ધિને વધુ વેગ મળશે અને વૈશ્વિક વેપારને પણ લાભ થશે. દાવોસ સમિટમાં વિશ્વભરના નેતાઓ વચ્ચે ચાલતી ચર્ચાઓ વચ્ચે ભારતને વૈશ્વિક વિકાસના મહત્વના એન્જિન તરીકે જોવામાં આવી રહ્યું છે.
