વિઝા ગમે તેટલી મુદતના હોય ભારતીયો USના અધિકારીઓ કહે તેટલું જ રોકાઇ શકશે : અમેરિકામાં ભારતીય યાત્રિકો માટે નવી સૂચના
અમેરિકાની દાંડાઈ હવે દિન પ્રતિદિન વધી રહી છે અને ભારતીયો માટે મુસીબત ઊભી કરવાના અલગ અલગ પેતરા ચાલુ જ રખાયા છે. ટ્રમ્પ વહીવટી તંત્રના ઇમિગ્રેશન નિયમોમાં કડકાઇ વચ્ચે ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે, અમેરિકા આવનારા કોઈ મુસાફર અહીં કેટલા દિવસ રોકાઇ શકે છે. દૂતાવાસ તરફથી જણાવવામાં આવ્યું કે, કોઈ મુસાફરની અમેરિકામાં રોકાવાની સમયમર્યાદા વીઝાની એક્સપાયરી ડેટથી નક્કી નથી થતી. કોઈ કેટલા દિવસ અમેરિકામાં રોકાય છે, તે કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અધિકારી નક્કી કરે છે.
દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે, ધ્યાન રાખો! અમેરિકામાં વિદેશ યાત્રીના રોકાવાની સમય મર્યાદા કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન અધિકારી નક્કી કરે છે. તેનું વીઝાની એક્સપાયરી સાથે કોઈ સંબંધ નથી. જો તમારે જાણવું છે કે, અમેરિકામાં તમે કેટલા દિવસે રોકાવ છો તો તમારે આઈ-94 ફોર્મ જોવું પડશે. આમાં જણાવવામાં આવે છે કે, કેટલા દિવસ માટે તેની મંજૂરી આપવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, બે મહિના પહેલાં પણ આ પ્રકારની એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી. તમામ બિનપ્રવાસીઓ માટે આઈ-94 ફોર્મ ભરવું જરૂરી હોય છે. જેમાં જણાવવામાં આવે છે કે, મુસાફરીને કેટલા દિવસ અમેરિકામાં રોકાવાની મંજૂરી મળે છે.
આ પણ વાંચો :ટ્રેનના ભાડાં ફરી વધ્યા! રેલવેએ જુલાઈમાં ટિકિટ મોંઘી કર્યા બાદ 2026ની શરૂઆત પૂર્વે બીજી વખત મુસાફરી મોંઘી કરી
આ તારીખ વીઝાની એક્સપાયરી ડેટથી અલગ હોય શકે છે. ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી અનુસાર, સમુદ્ર અથવા હવાઇ રસ્તાથી અમેરિકા આવનારા યાત્રીઓને ઇલેક્ટ્રોનિક આઈ-94 ફોર્મ આપવામાં આવે છે અને આના માટે કોઈ અરજીની જરૂર નથી હોતી.
2025માં 3258 ભારતીયોનો દેશનિકાલ કરાયો; 650 ગુજરાતી નાગરિકો
2025માં અમેરિકાથી 3258 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જે છેલ્લા ઓછામાં ઓછા 2009 પછીનો સૌથી ઊંચો આંકડો છે. 3258 ભારતીયોમાંથી 650 જેટલા ગુજરાતી નાગરિકોને વર્ષ 2025માં પરત મોકલવામાં આવ્યા છે. આ વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર 28 સુધીમાં પરત મોકલવાની આ પ્રક્રિયા 2024ની સરખામણીમાં બેગણી છે. ઉપરોક્ત સંખ્યામાં ગુજરાતી અને પંજાબી ઈમિગ્રેન્ટ્સની સંખ્યા સૌથી વધુ નોંધપાત્ર છે.
