ભારતીયો પૈસા કમાવા માટે અમારી સેનામાં જોડાયા હતા: રશિયાનો દાવો
રશિયન સેનામાંથી ભારતીયોને ફરજ મુક્ત કરવા સંમત થયા બાદ રશિયાની પ્રથમ સત્તાવાર ટિપ્પણી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ રશિયા તેની સેનામાં ફરજ બજાવતા ભારતીય સૈનિકોને ફરજ મુક્ત કરી ભારત પરત મોકલવા તૈયાર થયું છે.રશિયાના પ્રવક્તાએ એ પ્રક્રિયા બનતી ત્વરાએ પૂરી થવાની આશા દર્શાવી હતી પણ સાથે જ એવો દાવો કર્યો કે ભારતીય યુવાનો સ્વેચ્છાએ અને પૈસા કમાવા માટે રશિયાની સેનામાં જોડાયા હતા.
રશિયન સરકાર તરફથી આ મુદ્દા પર પ્રથમ ટિપ્પણી કરતાં રશિયાના ચાર્જ ડી અફેર્સ રોમન બાબુશકિને કહ્યું, “હું સ્પષ્ટ કરવા માગું છું કે મોસ્કો ક્યારેય ઇચ્છતું ન હતું કે ભારતીયો તેની સેનાનો ભાગ બને. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. તમે આ અંગે રશિયન સત્તાવાળાઓ દ્વારા ક્યારેય કોઈ જાહેરાત જોશો નહીં,”
રશિયન રાજદ્વારીએ વધુમાં જણાવ્યું હતું કે મોટાભાગના ભારતીયોની વ્યાપારી માળખા હેઠળ ભરતી કરવામાં આવી હતી કારણ કે તેઓ “પૈસા કમાવા” ઇચ્છતા હતા. તેમણે ઉમેર્યું કે સેનામાં સપોર્ટ સ્ટાફ તરીકે ફરજ બજાવતા મોટા ભાગના ભારતીયો પાસે ધારા ધોરણ મુજબના વર્ક વિઝા નથી. આ ભારતીયો ગેરકાયદે રીતે કામ કરી રહ્યા છે અને એ બધા ટુરિસ્ટ વિઝા પર રશિયા આવ્યા હતા. તેમણે કહ્યું કે રશિયા યુક્રેનના યુદ્ધમાં લાખો સૈનિકો ફરજ બજાવી રહ્યા છે ત્યારે ભારતના 25,50 કે 100 સૈનિકોનું ખાસ મહત્વ નથી. નોંધનીય છે કે રશિયામાં ભારતીય યુવાનોને ફરજિયાત સેનામાં ભરતી કરી દેવાયા હોવાના આક્ષેપ થયા હતા.ચાર ભારતીય યુવાનો આ યુધ્ધમાં માર્યા પણ ગયા છે.એ મુદ્દે વડાપ્રધાન મોદીએ પુતિન સાથે કડક શબ્દોમાં રજૂઆત કર્યા બાદ રશિયા એ ભારતીય યુવાનોને પરત મોકલવા તૈયાર થયું છે.