ICC Test Rankingsમાં ભારતીય ખેલાડીઓનો જલવો : બોલરમાં બૂમરાહ તો ઓલ રાઉન્ડરમાં જાડેજા નંબર 1
ICC એ બુધવારે નવીનતમ રેન્કિંગ જાહેર કર્યું. આમાં, ભારતના અગ્રણી ઝડપી બોલર જસપ્રીત બુમરાહ નંબર વન બોલર રહ્યા છે. તે જ સમયે, રવિન્દ્ર જાડેજાએ ઓલરાઉન્ડર્સ શ્રેણીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. બુમરાહે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની પાંચમી અને અંતિમ બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ પહેલા 907 અંક બનાવીને ઇતિહાસ રચ્યો હતો. આ કોઈ ભારતીય બોલર દ્વારા ICC રેન્કિંગમાં મેળવેલું સર્વોચ્ચ રેટિંગ છે. હાલમાં તેમનું રેટિંગ 908 છે જે તેમનું શ્રેષ્ઠ રેટિંગ છે.
ટેસ્ટ બોલર રેન્કિંગ
ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સ ૮૪૧ રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ બોલરોમાં બીજા ક્રમે છે અને દક્ષિણ આફ્રિકાના કાગીસો રબાડા ૮૩૭ રેટિંગ પોઈન્ટ સાથે બોલરોમાં ત્રીજા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાના જોશ હેઝલવુડ ચોથા અને દક્ષિણ આફ્રિકાના માર્કો જેનસેન પાંચમા ક્રમે છે. મુલતાનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પહેલી ટેસ્ટમાં છ વિકેટ લીધા બાદ પાકિસ્તાનના નોમાન અલી (761) ટોપ 10માં પ્રવેશ કરી ચૂક્યા છે. તે બે સ્થાનના ફાયદા સાથે નવમા સ્થાને પહોંચી ગયો છે. દરમિયાન, ભારતના રવિન્દ્ર જાડેજા ટોચના 10 ટેસ્ટ બોલરોમાં 10મા સ્થાને છે.
ટેસ્ટ ઓલરાઉન્ડર્સ રેન્કિંગ
ટેસ્ટ ફોર્મેટમાં ટોચના 10 ઓલરાઉન્ડરોની યાદીમાં બહુ ફેરફાર નથી. જાડેજા ૪૦૦ રેટિંગ પોઈન્ટ સાથે ટોચના સ્થાને યથાવત છે. તેમના પછી દક્ષિણ આફ્રિકાના માર્કો જેનસેનનો નંબર આવે છે. તેના રેટિંગ પોઈન્ટ 294 છે. બાંગ્લાદેશનો મેહદી હસન ૨૮૪ રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ૨૮૨ રેટિંગ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે અને બાંગ્લાદેશના શાકિબ અલ હસન ૨૬૩ રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડરોમાં પાંચમા ક્રમે છે.
ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગ
ટેસ્ટ બેટ્સમેનોમાં ઇંગ્લેન્ડનો જો રૂટ ટોચ પર છે. તેના રેટિંગ પોઈન્ટ 895 છે. દરમિયાન, ઇંગ્લેન્ડના હેરી બ્રુક ૮૭૬ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન ત્રીજા સ્થાને છે. તેના રેટિંગ પોઈન્ટ ૮૬૭ છે. ભારતના યશસ્વી જયસ્વાલ ૮૪૭ રેટિંગ પોઈન્ટ સાથે ચોથા ક્રમે છે, જ્યારે ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ ૭૭૨ રેટિંગ પોઈન્ટ સાથે પાંચમા ક્રમે છે. ટેસ્ટ બેટ્સમેનોમાં ભારતના બે ખેલાડીઓ ટોપ 10માં છે. યશસ્વી ઉપરાંત, ઋષભ પંત પણ છે. પંતે એક સ્થાન ગુમાવ્યું છે. તે 10મા સ્થાને સરકી ગયો છે. આઉટ ઓફ ફોર્મ વિરાટ કોહલી 26મા સ્થાને છે જ્યારે શુભમન ગિલ 22મા સ્થાને છે. રોહિત શર્મા ટેસ્ટ બેટ્સમેનોમાં 43મા ક્રમે છે.