ભારત સરકારના એજન્ટોની બિશ્નોઇ ગેંગ સાથે સાંઠગાંઠ: કેનેડાનો આક્ષેપ
ભારત અને કેનેડા વચ્ચેનું રાજદ્વારી સંકટ વધુ ઘેરું બન્યું છે. ભારતે કેનેડા માંથી પોતાના રાજદૂત સહિત રાજદૂત કચેરીના છ ટોચના અધિકારીઓને ભારત બોલાવી લીધા તે પછી તુરત જ કેનેડાએ ભારત સરકારના એજન્ટો અને લોરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યામાં લોરેન્સ બિશ્નોઇ ગેંગે જવાબદારી લીધી તેના ત્રણ દિવસ પછી જ કેનેડાએ બિશ્નોઇ ગેંગ અને ભારત સરકાર વચ્ચેના કથિત સંબંધોનો આક્ષેપ કરતાં ભારે ચકચાર જાગી છે.
કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના આસિસ્ટન્ટ કમિશનર બ્રિગેરેટી ગૌબીને ભારતના રાજદુતો અને કોન્સ્યુલેટ કચેરીના અધિકારીઓ પોતાની સત્તા અને હોદ્દાનો ગેરલાભ લઈ પ્રત્યક્ષ રીતે અથવા તો અન્ય સંસ્થાઓ અને એજન્ટો મારફત કેનેડિયન નાગરિકો અંગે ગુપ્ત માહિતી મેળવતા હોવાનો એક પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો.આમાંની કેટલીક વ્યક્તિઓ અને વ્યવસાયોને ભારત સરકાર માટે કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને ધમકી આપવામાં આવી હતી. ભારત સરકાર માટે એકત્રિત કરવામાં આવેલી માહિતીનો ઉપયોગ દક્ષિણ એશિયન સમુદાયના સભ્યોને લક્ષ્ય બનાવવા માટે કરવામાં આવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.
બિશ્નોઇ ગેંગની સંડોવણી અંગે અજીત દોવાલ સાથે બેઠક થઈ હોવાનો દાવો
વોશિંગ્ટન પોસ્ટમાં પ્રસિદ્ધ થયેલા એક અહેવાલ અનુસાર ગત અઠવાડિયે સિંગાપુરમાં ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર અજીત દોવાલ, કેનેડાના સિક્યુરિટી એડવાઈઝર નથાલીયે દાવોનીન, કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મેડિસન અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના ઉચ્ચ અધિકારી વચ્ચે ગુપ્ત બેઠક મળી હતી. તેમાં હરદીપસિંઘ નિજ્જરની હત્યા અને શીખ ભાગલાવાદીઓ પરના હુમલા માટે ભારતે બિશ્નોઇ ગેંગના નેટવર્કની નોંધણી કરી હોવાના પુરાવાઓને રૂપરેખા આપી હતી.
અહેવાલમાં જણાવ્યા મુજબ અજિત દોવાલે પહેલા તો પોતે લોરેન બિશ્નોઇ અંગે કંઈ જાણતા ન હોવાનું જણાવ્યું હતું પણ બાદમાં તેમણે બિશ્નોઇ ગેંગ કોઈપણ સ્થળેથી હિંસા ફેલાવવા માટે સક્ષમ હોવાનું કબૂલ્યું હતું.આ બેઠક બાદ પોલીસે આપેલા પુરાવાઓ ને આધાર બનાવી કેનેડા સરકારે ભારતના રાજદૂત સહિત કેટલાક અધિકારીઓ સામે તેમની સનવણી નો આરોપ મૂક્યો હતો તેવું આ અહેવાલમાં કહેવામાં આવ્યું છે. વોશિંગ્ટન પોસ્ટ ના અહેવાલની ભારત સરકારે કોઈ પ્રતિક્રિયા આપી નથી.