ભારતવંશી જય ભટ્ટાચાર્યની યુએસની સર્વોચ્ય આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટર તરીકે નિમણૂક
કોરોનામાં લોકડાઉન વિરોધી ચાર માટે પ્રખ્યાત થયા હતા
અમેરિકાના વહીવટી તંત્રમાં વધુ એક મૂળ ભારતીય અમેરિકન નાગરિકને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થના ડાયરેક્ટર તરીકે ભારતવંશી તબીબ અને અર્થશાસ્ત્રી જય ભટ્ટાચાર્યની નિમણૂક કરી છે. તેઓ રોબર્ટ એફ કેનેડી જુનિયર સાથે આ સંસ્થાનું સહનેતૃત્વ કરશે.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હેલ્થ અમેરિકાની આરોગ્ય નીતિ નક્કી કરે છે. તેમા કુલ 27 અલગ અલગ સંસ્થાઓનો સમાવેશ થાય છે અને તેનું 47 બિલિયન ડોલરનું બજેટ છે. ડોક્ટર જય ભટ્ટાચાર્ય કોરોના મહમારી સમયે ઉપચારરૂપે અપાતી દવાઓ તેમજ લોકડાઉન અંગે મુખ્યધારાથી અલગ વિચારો રજૂ કરવા માટે પ્રખ્યાત થયા હતા. તેમણે રજૂ કરેલું સંશોધન પત્ર ગ્રેટ બેરિંગ્ટન ડેકલેરેશન તરીકે ઓળખાય છે. તેમાં તેમણે કોરોનાવાયરસ સામે કુદરતી રોગ પ્રતિકારક શક્તિ વધારવા અર્થે જેમની ઉપર મૃત્યુનું ઓછામાં ઓછું જોખમ હોય તેવા તંદુરસ્ત યુવાનોમાં વાયરસ ફેલાવા દેવાની હિમાયત કરી હતી.
1968માં કોલકત્તામાં જન્મેલા જય ભટ્ટાચાર્યએ 1997 માં સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટી માંથી એમડીની અને વર્ષ 2000માં અર્થશાસ્ત્રમાં પીએચડીની ડીગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી હેલ્થ પોલિસીના પ્રોફેસર અને નેશનલ બ્યુરો ઓફ ઇકોનોમિક્સના રિસર્ચ એસોસિયેટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના સંશોધનમાં મુખ્યત્વે સંવેદનશીલ લોકોનું આરોગ્ય અને સુખાકારી, બાયોમેડિકલ ઇનોવેશન અને સરકારી યોજનાઓનો સમાવેશ થાય છે. જય ભટ્ટાચાર્યએ અત્યાર સુધીમાં દવાઓ, આર્થિકનિતી, મહામારી અને જાહેર આરોગ્ય અંગેના કાયદાઓ પર 135 થી વધુ સંશોધન પત્રો રજૂ કર્યા છે.