ક્રિકેટનું કિંગ ભારત : દુબઈમાં રમાયેલા ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવી ખીતાબ જીત્યો
દુબઈમાં રમાયેલા ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ૪ વિકેટે હરાવી ખીતાબ જીત્યો
ન્યુઝીલેન્ડના ૨૫૨ રનના જવાબમાં ભારતે ૪૯ ઓવરમાં ૨૫૩ રન બનાવી શાનદાર વિજય મેળવ્યો: જાડેજાએ ફટકાર્યો વિજયી ચોગ્ગો
સારી શરૂઆત કર્યા બાદ વરુણ-કુલદીપની ફિરકીમાં ફસાયા કિવિઝ બેટરો
રોહિત શર્મા (૭૬ રન)ની કેપ્ટન ઈનિંગ: ગીલ, અય્યર, અક્ષરનું પણ યોગદાન: હાર્દિક-રાહુલે અપાવી જીત
૧૪૦ કરોડ ભારતીયોનું ૨૦૨૩ના વન-ડે વર્લ્ડકપમાં દિલ તૂટી ગયું હતું કેમ કે ફાઈનલ મુકાબલામાં ઑસ્ટે્રલિયા સામે ભારતનો પરાજય થયો હતો. આ ગમને ૧૯ નવેમ્બર-૨૦૨૩માં રોહિતસેનાએ આફ્રિકાને હરાવી ટી-૨૦ વર્લ્ડકપ ઉપર કબજે કર્યો હતો. જ્યારે બાકીની કસર ચેમ્પિયન્સ ટ્રોફી-૨૦૨૫માં પૂર્ણ કરી હતી. દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર ન્યુઝીલેન્ડને કારમો પરાજય આપી ભારતે સાબિત કર્યું હતું કે ક્રિકેટનું કિંગ ભારત જ છે.
આ મેચમાં ટોસ જીતી ન્યુઝીલેન્ડે પહેલાં બેટિંગ કરતાં સાત વિકેટે ૨૫૧ રન બનાવ્યા હતા. એક સમયે ન્યુઝીલેન્ડે ઝડપી શરૂઆત કરતાં તે મોટો સ્કોર બનાવશે તેવું લાગી રહ્યું હતું પરંતુ રોહિત શર્માએ વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ સહિતના સ્પીનરને મેદાને ઉતારી તેની રફ્તાર ઉપર બ્રેક લગાવી હતી. ન્યુઝીલેન્ડ વતી વિલ યંગે ૧૫, રચિન રવિન્દ્રએ ૩૭, કેન વિલિયમસને ૧૧, ડેરિલ મીચેલે ૬૩, લાથમે ૧૪, ગ્લેન ફિલિપ્સે ૩૪, માઈકલ બ્રેસવેલે ૫૩, સેન્ટનરે આઠ રન બનાવ્યા હતા.
બોલિંગમાં ભારત વતી મોહમ્મદ શમીએ ૯ ઓવરમાં ૭૪ રન આપી એક, વરુણ ચક્રવર્તીએ બે, કુલદીપ યાદવે બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ખેડવી હતી.
૨૫૩ રનના જવાબમાં ભારતે પણ વળતો પ્રહાર કર્યો હતો. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલે પહેલી વિકેટની ભાગીદારીમાં ૧૦૫ રન જોડ્યા હતા. ગીલ ૩૧ રન બનાવી આઉટ થયા બાદ ક્રિઝ પર આવેલો કોહલી પણ એક રન બનાવીને આઉટ થતાં ટીમ મુશ્કેલીમાં મુકાશે તેવી ધારણા હતી પરંતુ શ્રેયસ અય્યર અને રોહિત શર્માએ મળીને સ્કોરબોર્ડ સતત ફરતું રાખતાં ન્યુઝીલેન્ડના શ્વાસ અધ્ધર ચડવા લાગ્યા હતા. આ વેળાએ રોહિત શર્મા ૮૩ બોલમાં ત્રણ છગ્ગા અને સાત છગ્ગાની મદદથી ૭૬ રન બનાવીને આઉટ થયો હતો. તેના આઉટ થયા બાદ અય્યર અને અક્ષરે બાજી સંભાળી હતી પરંતુ શ્રેયસ પણ ભારતના ૧૮૩ રનના સ્કોરે આઉટ થયો હતો. શ્રેયસ બાદ ૨૦૩ રનના સ્કોરે અક્ષરની વિકેટ પણ પડી ગઈ હતી. અક્ષર બાદ હાર્દિક પંડ્યાએ રાહુલ સાથે મળીને સ્કોરને ૨૪૧ રન સુધી પહોંચાડી ટીમની જીત સુનિશ્ચિત કરી હતી. આ પછી રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ટીમને જીત અપાવી દીધી હતી. જાડેજાએ વિજયી ચોગ્ગો ફટકારી સૌને ખુશ કરી દીધા હતા.