વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારતનું બ્રિટન પર દબાણ
નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર સાથે કરી મુલાકાત વખતે ઉઠાવ્યો મુદ્દો
રિયો ડી જાનેરોમાં અન્ય વિશ્વ નેતાઓ સાથે પણ કરી મુલાકાત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના બ્રિટિશ સમકક્ષ, નવા ચૂંટાયેલા વડા પ્રધાન કીર સ્ટારમર સાથેની બેઠકમાં વિજય માલ્યા અને નિરવ મોદી સહિતના આર્થિક અપરાધીઓના પ્રત્યાપર્ણનો મુદ્દો ઉઠાવ્યો હતો.ભલે વિદેશ મંત્રાલયે આર્થિક અપરાધીઓના નામ જાહેર નથી કર્યા પણ બધા જાણે છે કે, ભારત વિજય માલ્યા અને નીરવ મોદીના પ્રત્યાર્પણની માંગ કરી રહ્યું છે. આ બંને વિરુદ્ધ ભારતમાં કેસ પેન્ડિંગ છે.
બ્રિટને આ બંનેનું પ્રત્યાર્પણ કરવાનું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાન (મોદી)એ યુકેમાં ભારતીય આર્થિક અપરાધીઓના મુદ્દાને ઉપસ્થિત કર્યો હતો.
બંને વડાપ્રધાન વચ્ચેની મુલાકાત દરમિયાન તેમણે ગ્રીન એનર્જી, સુરક્ષા, ઈનોવેશન અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. મોદી નાઈજીરિયાની બે દિવસની મુલાકાત પૂર્ણ કરીને રવિવારે રિયો ડી જાનેરો પહોંચ્યા હતા.
સ્ટારમર સાથેની તેમની મુલાકાત અંગે મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું, “વડાપ્રધાન કીર સ્ટારર સાથે રિયો ડી જાનેરોમાં ખૂબ જ ફળદાયી મુલાકાત થઈ. “ભારત માટે, બ્રિટન સાથે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી પ્રાથમિકતા છે.”
મોદીએ બ્રિટિશ વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા અને તેમની સાથેની મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી. દિવસની શરૂઆતમાં, મોદીએ યુએસ પ્રમુખ જો બિડેન સાથે મુલાકાત કરી અને તેમની સાથે ટૂંકી વાતચીત કરી. બંને નેતાઓ વચ્ચે શું વાતચીત થઈ તે તાત્કાલિક જાણી શકાયું નથી. તેમણે સમિટ દરમિયાન બ્રાઝિલ, સિંગાપોર અને સ્પેનના નેતાઓ સાથે પણ વાત કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-20 સમિટ દરમિયાન ઈટાલી, ઈન્ડોનેશિયા, નોર્વે અને પોર્ટુગલ સહિતના અનેક દેશોના નેતાઓને મળ્યા હતા અને સંબંધોને સુધારવા અને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી હતી.ઈટાલીના પીએમ મેલોની સાથે સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને ટેકનોલોજી ક્ષેત્રે સંબંધો પર ચર્ચા કરી.
મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું, “રિયો ડી જાનેરો G20 સમિટ દરમિયાન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીને મળીને આનંદ થયો. અમારી વાતચીત સંરક્ષણ, સુરક્ષા, વેપાર અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં સંબંધોને ગાઢ બનાવવા પર કેન્દ્રિત હતી. અમે સંસ્કૃતિ, શિક્ષણ અને આવા અન્ય ક્ષેત્રોમાં સહકાર વધારવા વિશે પણ વાત કરી.