ભારત-પાકિસ્તાન વચ્ચે દુબઈમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મુકાબલામાં અનેક રેકોર્ડ તૂટ્યા હતા. પાંચમી મેચમાં જીયોહોટસ્ટાર ઉપર વ્યુઅરશિપ ૬૦.૨ કરોડે પહોંચી હતી. જિયોહોટસ્ટાલ પર એ સમયે સૌથી વધુ દર્શકો હતા જ્યારે વિરાટ કોહલીએ વિનિંગ ચોગ્ગો લગાવ્યો અને ભારતે આ મેચ છ વિકેટે જીતી લીધી હતી. પાકિસ્તાન વિરુદ્ધ આ મેચમાં કોહલીએ ૫૧મી વન-ડે સદી બનાવી હતી. કોહલી જેમ જેમ ક્રિઝ ઉપર વધુ સમય ગાળતો ગયો તેમ તેમ જિયોહોટસ્ટાર પર મેચ જોનારા દર્શકોની સંખ્યામાં વધારો થતો ગયો હતો. આ સાથે જ વ્યુઅરશિપએ તમામ રેકોર્ડ તોડ્યા હતા.
આ મેચમાં વિરાટ કોહલીએ વન-ડે આંતરરાષ્ટ્રીયમાં ૫૧મી સદી ફટકારી હતી. કોહલીએ ચોગ્ગો ફટકારીને આ સદી પૂણૅ કરી હતી. આ મેચમાં ભારતે ૨૪૨ રનનો લક્ષ્યાંક ૪૨.૩ ઓવરમાં જ હાંસલ કર્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતાં ભારતીય ટીમની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી. ભારતને પહેલો ઝટકો પાંચમી ઓવરમાં જ લાગ્યો હતો કેમ કે કેપ્ટન રોહિત શર્મા ૧૫ બોલમાં ૨૦ રન બનાવી આઉટ થયો હતો. અહીંથી શુભમન ગીલ અને કોહલીએ મળીને ૬૯ રનની ભાગીદારી કરી હતી. ગીલ ૫૨ બોલમાં ૪૬ રન બનાવી આઉટ થતાં એક સુંદર ભાગીદારીનો અંત આવ્યો હતો.
ગીલના આઉટ થયા બાદ કોહલીએ અય્યર સાથે મળીને બાજી સંભાળી હતી. બન્ને વચ્ચે ત્રીજી વિકેટ માટે ૧૧૪ રનની ભાગીદારી થઈ હતી. કોહલીએ આ દરમિયાન ૬૨ બોલમાં ફિફટી પૂર્ણ કરી હતી. જ્યારે શ્રેયસ અય્યરે ૬૩ બોલમાં ફિફટી પૂરી કરી હતી. શ્રેયસ બાદ હાર્દિક પંડ્યા આઠ રન બનાવીને આઉટ થયો હતો. જો કે ત્યાં સુધીમાં ભારત જીતની નજીક પહોંચી ગયું હતું. છેલ્લે અક્ષર-વિરાટે મળીને ભારતને જીત અપાવી દીધી હતી.
આ મેચમાં પાકિસ્તાને પહેલાં બેટિંગ કરતાં ૪૯.૪ ઓવરમાં ૨૪૧ રન બનાવ્યા હતા જેમાં સઉદ શકીલના ૬૨ રન મુખ્ય હતા. તેના ઉપરાંત રિઝવાને ધીમી ગતિએ ૪૬ રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં ભારત વતી કુલદીપ યાદવે ત્રણ, હાર્દિક પંડ્યાએ બે વિકેટ ખેડવી હતી.