ભારત – માલદીવના સબંધો ઐતિહાસિક તળિયે, વાંચો માલદીવ સરકારે શું કહ્યું
15 માર્ચ પહેલા સૈનિકોને પરત બોલાવી લેવા માલદીવની ભારતને અંતિમ સૂચના
માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ચીનની પાંચ દિવસની મુલાકાતેથી પરત ફર્યા બાદ તુર્ત જ ભારતને 15 માર્ચ માલદીવમાંથી ભારતની સેના હટાવી લેવાનો અનુરોધ કર્યો હતો. ચીન તરફી ખુલ્લો ઝોક ધરાવતા મુઈઝુએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ ઈન્ડીયા આઉટ ‘ નો નારો આપ્યો હતો અને પોતે ચૂંટાય તો માલદીવમાં ઉપસ્થિત ભારતીય સેનાને પરત મોકલી દેવાનું વચન આપ્યું હતું. ચૂંટાયા બાદ તેમણે એ મુદ્દો ઉઠાવ્યો હતો અને સેના પરત ખેંચવા મામલે કાર્યવાહી કરવા માટે કોર ગ્રૂપનું ગઠન કર્યું હતું.હવે તેમણે ભારતને 15 માર્ચ સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.તેમના આ નિર્ણય ને પગલે બંને દેશો વચ્ચે રાજદ્વારી સબંધો વધુ વણસવાની સંભાવના છે.
માલદીવ ભારત અને ચીન બંને માટે વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે.માલદીવ સાથે પરંપરાગત રીતે ભારતના સુમેળભર્યા સંબંધો રહ્યા છે. 2018માં ચૂંટણીમાં વિજયી બનીને પ્રમુખ બનેલા ઈબ્રાહીમ સોહિલ ભારતના ગાઢ મિત્ર હતા.જો કે તેમના શાસનકાળ દરમિયાન ચીનના ઈશારે માલદિવમાં ‘ ઈન્ડીયા આઉટ ‘ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં 2023ની ચૂંટણીમાં વિજયી થયેલા વર્તમાન પ્રમુખ મોહમ્મદ મુઈઝુ ચીનના સમર્થક છે.
ચીનથી પરત ફરતાં જ મુઈઝુએ પોત પ્રકાશ્યું.
ભારતના વડાપ્રધાન મોદી ની લક્ષદ્વીપની મુલાકાત બાદ માલદીવના પ્રધાનોએ કરેલી અપમાનજનક ટિપ્પણી ને કારણે ભારે વિવાદ થયો હતો.તેને પગલે ભારતમાં ‘ બોયકોટ માલદીવ ‘ ટ્રેન્ડ શરૂ થયો હતો.અનેક ટ્રાવેલ એજન્સીઓએ ફ્લાઇટ તથા હોટલના બુકિંગ કેન્સલ કરતા માલદેવના ટુરીઝમ ને ભયંકર ધક્કો લાગ્યો હતો. બાદમાં ત્રણ નાયબ પ્રધાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે પાંચ દિવસની ચીનની મુલાકાત બાદ મુઇઝુએ રંગ બદલ્યો હતો અને માલદીવ ઉપર દાદાગીરી કરવાનું કોઈ દેશને લાયસન્સ ન આપ્યું હોવાની વાત કરી હતી અને બાદમાં પરત ફરતાની સાથે જ 15 માર્ચ પહેલા ભારતને સેના હટાવી લેવા અનુરોધ કર્યો હતો.
ભારતના 75 સૈનિકો માલદીવમાં છે.
માલદીવ ઉપર આતંકવાદી સંગઠનો ડોળો હોવાની શંકા બાદ 2009માં કેટલાક મુસ્લિમ દેશોએ ભારતને માલદિવની સુરક્ષા જવાબદારી સ્વીકારવા માટે વિનંતી કરી હતી. ભારત માટે પણ માલદિવ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે. 1976માં બન્ને દેશો વચ્ચે મેરિટાઇમ બાઉન્ડરી સમજૂતી થઈ હતી. બાદમાં બન્ને વચ્ચે થયેલા રક્ષા સંબંધિત કરારો અંતર્ગત સર્વેલન્સ હેતુથી તેમ જ કોઈ પણ ખતરાને પહોંચી વળવા માટે કાયમી ધોરણે ભારતના બે હેલિકોપ્ટર માલદીવમાં તૈનાત કરવામાં આવ્યા છે. એ ઉપરાંત ભારતના કોસ્ટલ કમાન્ડ સાથે સીધી લિંક ધરાવતી માલદીવના તમામ મુખ્ય 26 ટાપુને સાંકળી લેતી કોસ્ટલ રડાર ચેન બનાવવામાં આવી છે.2013 થી લામુ અને અડ્ડુ ટાપુઓ પર ભારતના આશરે 75 સૈનિકો તૈનાત છે.