ભારતે આકાશી તાકાત ઘાતક બનાવી
ફ્રાંસ સાથે રાફેલ ફાઇટર જેટ સોદા પર હસ્તાક્ષર
જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેની તંગદિલી વચ્ચે સોમવારે ભારત અને ફ્રાન્સે 63000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ ડીલ હેઠળ ભારતને 26 રાફેલ મરીન ફાઈટર જેટ મળશે. આ સાથે જ હવે પાકિસ્તાનની મુશ્કેલી વધશે કેમ કે ભારતીય નેવી પણ રાફેલ વિમાન સાથે પ્રહારો કરવામાં સક્ષમ બનશે.
6.6 અબજ યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે. એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે.
ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે 36 નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલમાં સમાવેશ થાય છે. આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે. આમ ભારતની તાકાતમા જોરદાર વધારો થયો છે.