ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થ વ્યવસ્થા : જાપાનને પાછળ છોડ્યું, જાણો કયા દેશની અર્થ વ્યવસ્થા કેટલી મજબૂત
ભારતે વૈશ્વિક આર્થિક રેન્કિંગમાં એક સ્થાન ઉપર આવીને જાપાનને પાછળ છોડી દીધું છે અને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે તેમ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રહ્મણ્યમે શનિવારે જણાવ્યું હતું. દેશની જીડીપી 4 ટ્રિલિયન ડોલરના આંકડે પહોંચી ગઈ છે. હાલમાં ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ, ચીન અને જર્મની જ ભારત કરતા વધુ જીડીપી ધરાવે છે. નીતિ આયોગે અર્થતંત્રની વર્તમાન ગતિ પરથી ભારત ત્રણ વર્ષમાં વિશ્વની ત્રીજા નંબરની અર્થ વ્યવસ્થા બની જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
પોલિસી થિંક ટેન્કની 10મી ગવર્નિંગ કાઉન્સિલ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં સુબ્રહ્મણ્યમે આ સિદ્ધિનું શ્રેય ઘર આંગણાના આર્થિક સુધારાઓ અને ભારતની તરફેણમાં વધતા વૈશ્વિક વાતાવરણને આપ્યું હતું.તેમણે આઈએમએફના તાજેતરના અંદાજોનો હવાલો આપતાં કહ્યું કે હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મની જ આપણાથી આગળ છે અને જો આપણે આપણા માર્ગ પર ચાલુ રહીશું તો માત્ર 2.5 થી 3 વર્ષમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકીએ છીએ.

આ સીમાચિહ્ન એવા સમયે અંકિત થયું છે જ્યારે વૈશ્વિક આર્થિક દૃશ્ય બદલાઈ રહ્યું છે. ભારત પોતાને મુખ્ય વૈકલ્પિક ઉત્પાદન હબ તરીકે સ્થાપિત કરી રહ્યું છે.સુબ્રહ્મણ્યમે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં વેચાતા આઈફોન ભારત જેવા દેશોમાં બનવાને બદલે સ્થાનિક રીતે બનવા જોઈએ તેવા કરેલા નિવેદન અંગે જણાવ્યું કે ભવિષ્યના અમેરિકી ટેરિફની વિગતો હજુ સ્પષ્ટ નથી પરંતુ ભારત સ્પર્ધાત્મક ખર્ચે ઉત્પાદનના આધારે વૈશ્વિક વ્યાપારમાં પ્રદાન આપવાનું ચાલુ રાખશે.
એસેટ મોનેટાઈઝેશનનો નવું રાઉન્ડ આવી રહ્યું છે
સુબ્રહ્મણ્યમે ઓગસ્ટ મહિનામાં એસેટ મોનેટાઈઝેશનનો નવો તબક્કો શરૂ થશે તેવી અગત્યની જાહેરાત કરી હતી. નોંધનીય છે કે એસેટ મોનેટાઈઝેશન દ્વારા રસ્તાઓ, રેલવે, બંદરો, જમીન, બિલ્ડિંગ વગેરે જેવી સરકારી સંપત્તિનો ઉપયોગ કરીને નાણાં એકઠા કરવામાં આવે છે. તેમાં સંપત્તિનું સીધું વેચાણ થતું નથી, પરંતુ તેનો ઉપયોગ લીઝ પર આપવા, ભાગીદારી દ્વારા, અથવા અન્ય રીતે નાણાં ઉભા કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, સરકાર કોઈ રોડ કે એરપોર્ટ ખાનગી કંપનીને ચલાવવા માટે આપે અને બદલામાં નાણાં મેળવે, પરંતુ માલિકી સરકાર પાસે જ રહે છે.