ભારતે ફરીવાર પાકિસ્તાનનો કાન આમળ્યો !! વોન્ટેડ આતંકી મસૂદ અઝહરને પકડો, પગલાં ભરો, બેધારી નીતિ નહીં ચાલે; વિદેશ મંત્રાલય
આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના મામલામાં ભારતે પાકિસ્તાન પર તેની બેવડી નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે જો મસૂદ અઝહર પાકિસ્તાનમાં છે તો તે તેની વાસ્તવિકતા છતી કરે છે. ભારતે પાકિસ્તાન પાસે માંગ કરી છે કે મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે જેથી તેને સજા કરી શકાય. પાક દ્વારા એમ જણાવાયું છે કે અઝહર પાકમાં નથી !
, મસૂદ અઝહરે પાકિસ્તાનના બહાવલપુરમાં એક જાહેર ભાષણ આપ્યું હતું, જેમાં સવાલો ઉભા થયા હતા કે પાકિસ્તાને તેની હાજરી કેમ નકારી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, “જો આ અહેવાલો સાચા છે, તો તે પાકિસ્તાનની બેવડી નીતિને ઉજાગર કરે છે. મસૂદ અઝહર ભારતમાં સીમાપારથી આતંકવાદી હુમલાઓમાં સામેલ છે અને અમે ઈચ્છીએ છીએ કે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે.”
પુલવામા હુમલા માટે જવાબદાર
માહિતી અનુસાર, મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે 2019ના પુલવામા હુમલા સહિત ઘણા આતંકવાદી હુમલાઓની જવાબદારી લીધી છે જેમાં 40થી વધુ સીઆરપીએફ જવાનો શહીદ થયા હતા. આ હુમલાને લઈને ભારતે ઘણી વખત પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે આતંકવાદીઓને સમર્થન કરે છે.
પાકિસ્તાન પ્રત્યે ભારતનું વલણ
વિદેશ મંત્રી એસ. જયશંકરે તાજેતરમાં કહ્યું હતું કે પાકિસ્તાને આતંકવાદને તેના વહીવટનો ભાગ બનાવ્યો છે અને તેને છુપાવવાની જરૂર નથી. તેમણે કહ્યું, “અમે અમારા પશ્ચિમી પાડોશી સાથે એક જટિલ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છીએ જે તેના પોતાના હેતુઓ માટે આતંકવાદનો ઉપયોગ કરે છે. આ લાંબા સમયથી ચાલતો મુદ્દો છે જેને ભારત હવે અવગણશે નહીં.” તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનમાં આતંકવાદ “ઉદ્યોગ સ્તર” પર ફેલાયો છે.
