કેનેડામાં શીખ આતંકીની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ: બંને દેશે એકબીજાના એક એક રાજદૂતને ‘ ઘરભેગાં ‘ કર્યા.
ભારત અને કેનેડાના સંબંધો ઐતિહાસિક તળિયે પહોંચ્યા છે. કેનેડા સાવ છેલ્લા પાટલે બેઠું છે.ભારત સાથે વ્યાપાર વાર્તાલાપ અને ટ્રેડ મિશન મુલતવી રાખ્યા બાદ હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડોએ સરેમાં થયેલી શીખ આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મામલો વધુ ગંભીર એટલા માટે છે કે ટુડોએ આ આરોપ કેનેડાની સંસદમાં કર્યો હતો. એટલું ઓછું હોય તેમ આ ઘટના સંદર્ભે કેનેડાએ ભારતના ડિપ્લોમેટ, કેનેડા ખાતેના ‘ રો ‘ ના વડા ને કેનેડા છોડી જવાનો આદેશ આપતા મામલાએ ગંભીર વણાંક લીધો છે. વળતાં પગલા તરીકે ભારતે પણ કેનેડાના એક રાજદૂતને પાંચ દિવસમાં ભારત છોડી જવાનો આદેશ કરતા બંને દેશો વચ્ચે અગાઉ ક્યારેય ન સર્જાયું હોય એવું ગંભીર રાજદ્વારી સંકટ ખડું થયું છે.
જસ્ટિન ટુડોએ કેનેડા સંસદની ઇમરજન્સી બેઠકમાં ભારત ઉપર આ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે સરેના ગુરુ નાનક શીખ ગુરુદ્વારા ના પ્રમુખ અને કેનેડિયન નાગરિક હરદીપસિંઘની હત્યા ભારત સરકારના એજન્ટોએ કરી હોય એવું માનવા માટે કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા તંત્ર પાસે વિશ્વાસપાત્ર કારણો છે. તેમણે ઉમેર્યું કે કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકની હત્યામાં વિદેશી સરકારની કોઈપણ સંડોવણી એ આપણા સાર્વભૌમત્વનું ઉલ્લંઘન છે અને તે કદી સ્વીકારી શકાય નહીં. તેમણે કહ્યું કે આવું કોઈ પણ આચરણ મુક્ત,ખુલ્લા અને લોકશાહી સમાજોના મૂળભૂત નિયમોની વિરુદ્ધનું છે.
તેમના આ નિવેદન બાદ સંસદને સંબોધતાં કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ભારતીય રાજદ્વારીને નિષ્કાસિત કરવામાં આવ્યા હોવાની જાહેરાત કરી હતી.તેમણે વધુમાં જણાવ્યું કે “જો આ સાચું સાબિત થયું તો આ અમારી સંપ્રભુતા અને દેશોના એકબીજા સાથે વ્યવહાર કરવાના બુનિયાદી નિયમનું ઉલ્લંઘન હશે.” અત્રે ઉલ્લેખનીય છે કે કેનેડાની સરકારના સંરક્ષણ હેઠળ કેનેડા ખાલીસ્તાની પ્રવૃત્તિનું મુખ્ય મથક બની ગયું છે. કેનેડામાં અલગ ખાલીસ્તાન માટે રેફરન્ડમ થી માંડી અને હિન્દુ મંદિરો ઉપર હુમલા તેમજ ભારતીય રાજદુતોને મારી નાખવાની ધમકી આપવા સુધીની પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી રહી છે. એ પ્રવૃત્તિ અટકાવવા માટે અને ભારત વિરોધી તત્વોને સજા આપવા માટે ભારત સરકારે કરેલી અનેક વિનંતીઓ પ્રત્યે કેનેડા આંખ આડા કાન કરતું રહ્યું છે અને હવે એક આતંકવાદીની હત્યા માટે ભારત ઉપર દોષારોપણ કર્યું છે.
કેનેડાએ સાથી દેશો સમક્ષ રજૂઆત કરી
જસ્ટિન ટુડો આ મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ ગયા છે. તેમણે આ બાબતે યુકેના વડાપ્રધાન રિશી સુનક,ફ્રેન્ચ પ્રમુખ એમેન્યુઅલ મેક્રો અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન સાથે ચર્ચા કરી હતી.G 20 સમિટમાં આવેલા કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસ ભારતથી સીધા લંડન પહોંચ્યા હતા અને નિજ્જરના મૃત્યુ પાછળ ભારતનો હાથ હોવાના પૂરતા પુરાવા હોવાનું જણાવી કેનેડાના ભારત સાથેના સંબંધો વધુ ખરાબ થઈ શકે છે એવી જાણકારી આપી હતી.
અમેરિકાએ શું કહ્યું?
વ્હાઈટ હાઉસની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને જણાવ્યું કે વડાપ્રધાન ટુડો દ્વારા થયેલા આક્ષેપો વિશે અમે ખૂબ ચિંતિત છીએ. તેમણે ઉમેર્યું કે અમે અમારા કેનેડિયન ભાગીદારો સાથે નિયમિત સંપર્કમાં રહીએ છીએ. કેનેડાની તપાસ આગળ વધે અને ગુનેગારોને સજા મળે તે મહત્વપૂર્ણ છે.
ભારતનો જડબાતોડ વળતો પ્રહાર
ભારતે ઘડીના પણ વિલંબ વગર કેનેડાના એક રાજદૂતને ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવા બદલ અને ભારત વિરોધી પ્રવૃત્તિ આચરવા બદલ પાંચ દિવસમાં ભારત છોડી જવાનો આદેશ કર્યો હતો. ટુડોએ કરેલા આક્ષેપોને ભારતે ફગાવી દીધા હતા .વિદેશ મંત્રાલયે અધિકારીક નિવેદનમાં કહ્યું કે, કેનેડામાં કોઇ પણ પ્રકારની હિંસામાં ભારતની સંડોવણીના આરોપો પાયાવિહોણા અને બદ ઇરાદા થી ઊભા કરાયેલા છે.આ જ પ્રકારના આરોપો કેનેડાના વડાપ્રધાને પીએમ મોદી સાથેની મુલાકાતમાં પણ લગાવ્યા હતા અને અમે સંપૂર્ણપણે તેને ફગાવી દીધા હતા. સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે, આ પ્રકારના આરોપોથી ભારતના સાર્વભૌમત્વ અને અખંડિતતા માટે જોખમી એવા ખાલિસ્તાની ચરમપંથીઓ અને આતંકવાદીઓ પરથી ધ્યાન હટાવવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેમને કેનેડામાં સંરક્ષણ મળ્યું છે. ભારતે કેનેડાને આરોપો લગાવવાને બદલે પોતાની ધરતી પર સક્રિય ભારતવિરોધી તત્વો સામે કડકાઈથી કામ લેવાની માંગણી કરી હતી.
નિજ્જર પર દસ લાખનું ઈનામ હતું
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની આ જ વર્ષે 18 જૂનના રોજ કેનેડાના સરે શહેરમાં ગુરુદ્વારા ની બહાર જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને ભારત સરકારે ડેજિગ્નેટેડ આતંકવાદી ઘોષિત કર્યો હતો. તે કેનેડાના શીખ સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’ સાથે જોડાયેલો હતો. તે પંજાબના જાલંધર જિલ્લાનો રહેવાસી હતો. આ પહેલાં 2022માં પંજાબના જાલંધરમાં હિંદુ પૂજારીની હત્યા કરવાની સાજિશના ગુનામાં NIAએ તેની ઉપર 10 લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું.