ફાઈનલમાં ‘ફાઈનલ’ થવા આજે ભારત- ઑસ્ટ્રેલિયા વચ્ચે જંગ : જે ટીમની મધ્યક્રમ બેટિંગ સારી રહેશે તેની જીતની શક્યતા વધુ
જે ટીમની મધ્યક્રમ બેટિંગ સારી રહેશે તેની જીતની શક્યતા વધુ: બપોરે ૨:૩૦થી મુકાબલો
પીચ અત્યંત ધીમી રહે તેમ હોવાથી રન બનાવવા કરવો પડશે ખાસ્સો સંઘર્ષ
ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીના પોતાના અંતિમ લીગ મુકાબલામાં ન્યુઝીલેન્ડને હરાવી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. આ જીત સાથે સેમિફાઈનલમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ટક્કર થશે તે નિશ્ચિત બની ગયું હતું. હવે આજે બે બળુકી ટીમ દુબઈના ગ્રાઉન્ડ ઉપર ફાઈનલમાં `ફાઈનલ’ થવા માટે મેદાને ઉતરશે.
રોહિત શર્માએ લીગની ત્રણેય મેચમાં ટોસ હાર્યો પરંતુ તમામ મેચમાં તેણે સરળતાથી જીત હાંસલ કરી હતી. પ્રથમ બે મેચ લક્ષ્યાંકનો પીછો કરીને તો ન્યુઝીલેન્ડ સામે લક્ષ્યાંક બચાવીને જીત મેળવી હતી.
ભારત જીત્યા બાદ સેમિફાઈનલની ચાર ટીમ પણ નક્કી થઈ હતી જેમાં ભારત ઉપરાંત આફ્રિકા, ઑસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામેલ છે. પ્રથમ સેમિફાઈનલ આજે બપોરે ૨:૩૦ વાગ્યાથી દુબઈમાં ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાશે.
આ મેચમાં પીચ ધીમી રહેવાની શક્યતા છે એટલા માટે બેટરોએ રન બનાવવા ખાસ્સી જહેમત ઉઠાવવી પડી શકે છે. જે ટીમનો મધ્ય ક્રમ બેટિંગ ઓર્ડર સારો હશે તેની જીતવાની શક્યતા વધી જશે. અહીં ઝાકળ પડતી નથી એટલા માટે લક્ષ્યાંકનો પીછો કરવો યોગ્ય રહેશે. અહીં ફાસ્ટ બોલરો કરતા સ્પીનરોને વધુ મદદ મળે છે.
ભારત પાસે વર્લ્ડકપ ફાઈનલની હારનો બદલો લેવાની તક
૨૦૨૩ના વન-ડે વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર થયો હતો જેમાં ઑસ્ટ્રેલિયાએ જીત મેળવી સૌને `શાંત’ કરી દીધા હતા. હવે આજે ચેમ્પિયન્સ ટ્રોફીના સેમિફાઈનલમાં ફરી બન્ને ટીમ આમને-સામને છે ત્યારે ફાઈનલની હારનો બદલો સેમિફાઈનલમાં વાળવાની પૂરેપૂરી તક ભારત પાસે રહેશે. વળી, ઑસ્ટ્રેલિયા પાસે પેટ કમિન્સ, મીચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ, મીચેલ માર્શ સહિતના ખેલાડીઓ ઉપલબ્ધ ન હોવાથી ભારતને તેનો ફાયદો પણ મળી શકે છે. ઓવરઓલ વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે અત્યાર સુધીમાં ૧૫૧ મેચ રમાઈ છે જેમાં ભારતે ૫૭ તો ઑસ્ટ્રેલિયાએ ૮૪ મેચ જીતી છે. જ્યારે દસ મેચ અનિર્ણિત રહી હતી.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કે.એલ.રાહુલ (વિકેટકિપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી
ઑસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન
જેક ફ્રેઝર મક્ગર્ક, ટે્રવિસ હેડ, સ્ટિવ સ્મિથ (કેપ્ટન), માર્નસ લાબુશેન, જોશ ઈંગ્લીસ (વિકેટકિપર), એલેક્સ કૈરી, ગ્લેન મેક્સવેલ, બેન ડવારેસ, નૈથન એલિસ, એડમ ઝેમ્પા, સ્પેન્સર જૉન્સન