અપક્ષો અને નાના પક્ષના સભ્યો કિંગ મેકર બનશે
મહારાષ્ટ્રમાં ભર્યાનાળિયેર જેવી સ્થિતિ: ત્રિશંકુ ધારાસભાના આસાર
70 ટકા બેઠકો પર ત્રીજા પરિબળને કારણે થનારું મત વિભાજન પરિણામો માટે નિર્ણાયક સાબિત થશે
મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો માટે આજે સાંજે પ્રચાર પડધમ શાંત થઈ જશે. મહારાષ્ટ્રના ઇતિહાસમાં પ્રથમ વખત બે ગઠબંધનોના છ – છ મુખ્ય રાજકીય પક્ષો મેદાનમાં છે. મહારાષ્ટ્રમાં વિકાસ અને કલ્યાણકારી યોજનાઓથી શરૂ થયેલો પ્રચાર રહેતા રહેતા બટોગે તો કટોગે, વોટ જીહાદ અને ધર્મયુદ્ધના ભડકાવનારા મુદ્દાઓમાં પરિવર્તિત થઈ ગયો હતો. રાજકીય વિશ્લેષકો મહારાષ્ટ્રના આ જંગને મહા વિકાસ અઘાડી અને મહાયુતી વચ્ચેના અભૂતપૂર્વ આરપારના જંગ રૂપે મૂલવે છે. એક પણ પક્ષ કે સંગઠન સ્પષ્ટ બહુમતી નો દાવો કરી શકે તેવી સ્થિતિમાં નથી. રાજકીય વિશ્લેષકોના મતે મહારાષ્ટ્રમાં ત્રીશંકુ વિધાનસભા રચાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને એ સંજોગોમાં અપક્ષો અને નાના પક્ષના વિજેતા ઉમેદવારો કિંગમેકરની ભૂમિકા ભજવશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
મહારાષ્ટ્રમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં ત્રણથી ચાર લાખ મતદારો છે. 60 ટકા મતદાન થાય તો દરેક મત ક્ષેત્રમાં અંદાજે 2.40 લાખ મત પડશે. રાજ્યની 70% કરતાં વધારે બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષો ઉપરાંત શક્તિશાળી અપક્ષો અથવા તો અન્ય પક્ષના ઉમેદવારો મેદાનમાં છે. એકંદરે આ ત્રિપાંખિયા જંગમાં એ ઉમેદવારો નોંધપાત્ર મત મેળવી જાય તો એક લાખ મત મેળવનાર ઉમેદવાર વિજેતા થશે. આ સંજોગોમાં ત્રીજા પરિબળ તરીકે ઊભરી આવેલા એ ઉમેદવારો બંને મુખ્ય ગઠબંધનોનું ગણિત વિખેરી શકે તેમ છે.
2019 ની ચૂંટણીમાં અપક્ષો અને અન્ય નાના પક્ષના ઉમેદવારોને 29 બેઠકો મળી હતી અને 63 બેઠકો પર એ ઉમેદવારો બીજા ક્રમે રહ્યા હતા.. આ વખતે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના, અસાદુદીન ઓવૈસીની એઆઈએમઆઈએમ અને પ્રકાશ આંબેડકરના વંચિત બહુજન અઘાડી પક્ષે મોટી સંખ્યામાં ઉમેદવારો ઊભા રાખ્યા છે. આ ત્રણે પક્ષોનું મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર અસ્તિત્વ છે.
એ ઉપરાંત સશક્ત બળવાખોર ઉમેદવારો પણ મેદાનમાં છે.આ સંજોગોમાં નાના પક્ષના ઉમેદવારો 30 જેટલી બેઠકો પર વિજય બનવા સક્ષમ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે થયેલા બે પ્રી પોલ સર્વેમાં એક સર્વેમાં મહા વિકાસ અઘાડીને અને બીજા સર્વેમાં મહાયુતી ને બહુમતી મળવાની સંભાવના દર્શાવવામાં આવી હતી. લોક પોલ સર્વે એ મહા વિકાસ અઘાડીને 151 થી 165 બેઠકો અને મહાયુતિને 115 થી 128 બેઠકો આપી હતી. બીજી તરફ મેટ્રીઝ દ્વારા કરવામાં આવેલ સર્વેમાં ભારતીય જનતા પક્ષના નેતૃત્વ હેઠળના મહાયુતી સંગઠનને 145 થી 165 અને મહા વિકાસ અઘાડીને 120 થી 128 બેઠકો મળવાની સંભાવના દર્શાવવામાં આવી હતી.
2024 ની લોકસભાની ચૂંટણીમાં મહાયુતીનો કરુણ રકાસ થયો હતો. કોંગ્રેસને સૌથી વધારે 13 બેઠકો મળી હતી પરંતુ રાજકીય વિશ્લેષકોના મત મુજબ કોંગ્રેસ અને મહા વિકાસ અઘાડી એ મોમેન્ટમ ગુમાવી ચૂક્યા છે. ભાજપે મહારાષ્ટ્રના ઇતિહાસમાં ન થયો હોય તેવો કટર હિન્દુવાદી પ્રચાર કરી મતોના ધ્રુવીકરણનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ મહારાષ્ટ્રની 2.3 કરોડ મહિલાઓના ખાતામાં લાડલી બેન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 7500 રૂપિયા આવી ગયા છે. એ યોજના ભાજપ માટે ગેમ ચેન્જર બનશે તેવી અપેક્ષા મહાયુતિના ઘટક પક્ષો દાખવી રહ્યા છે. સામા પક્ષે મહાયુતી ગઠબંધનમાં અજીત પવારની એનસીપી સાથે ભાજપ અને શિવસેના (શિંદે) ના મતભેદો પરાકાષ્ઠાએ પહોંચ્યા હોય તેવા નિર્દેશો મળતા રહ્યા છે.
ચૂંટણીના પરિણામો બાદ ત્રિશંકુ વિધાનસભા રચાવાના સંજોગોમાં એકંદરે નાના પક્ષો નિર્ણાયક ભૂમિકા ભજવશે તેવા સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.
રાજ ઠાકરેની પાર્ટી એમએનએસ બંને ગઠબંધનો માટે ખતરારૂપ
વર્તમાન વિધાનસભાની ચૂંટણીમાં રાજ ઠાકરે ની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એક મજબૂત પરિબળ તરીકે ઊભરી આવી છે. આક્રમક અભિગમ માટે જાણીતા રાજ ઠાકરેની સભાઓમાં જંગી મેદની એકત્ર થાય છે.
એમએનએસ એ 125 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. તેમાંથી 36 બેઠકો પર તેના ઉમેદવારો
પરિણામો માટે નિર્ણાયક સાબિત થશે. સૌથી વધારે રોચક જંગ મુંબઈમાં છે. મુંબઈ અને તેના પરા વિસ્તારની કુલ 36 બેઠકોમાંથી 25 બેઠકો પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના ઉમેદવારોએ ઝંપ લાવ્યું છે. તેમાં રાજ ઠાકરેના ઉમેદવારોએ 12 બેઠક પર શિવસેના (શિંદે )ના ઉમેદવારો સામે અને 10 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે પડકાર સર્જ્યો છે. એ બેઠકો પર હિન્દુ અને મરાઠા મતોનું વિભાજન મહાયુતી ગઠબંધન માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે મુંબઈ અને પરા વિસ્તારની બેઠકોમાં
રાજ ઠાકરે નોંધપાત્ર લોકપ્રિયતા અને વર્ચસ્વ ધરાવે છે.
માહિમ ની બેઠક ઉપર રાજ ઠાકરેના પુત્ર પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. એ બેઠક ઉપર ભાજપે રાજ ઠાકરેના પુત્રને ટેકો જાહેર કર્યો હતો. પરંતુ શિવસેના શિંદેએ પણ એ બેઠક ઉપર ઉમેદવાર ઉભો રાખતા મહાયુતીમાં વિવાદ થયો હતો. અંતે ભાજપે શિવસેના (શિંદે)ના ઉમેદવારને ટેકો જાહેર કરવો પડ્યો હતો. રાજ ઠાકરેએ સૈદ્ધાંતિક રીતે તેઓ ભાજપને સમર્થન આપતા હોવાનું જાહેર કર્યું હતું. આ સંજોગોમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ રાજ ઠાકરેના ચૂંટાયેલા ધારાસભ્યો મહાયુતી ને ટેકો જાહેર કરશે તેવું માનવામાં આવે છે. નોંધનીય છે કે 2019 ની ચૂંટણીમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના માત્ર એક જ ધારાસભ્ય ચૂંટાયા હતા.
ઓવેસી ની એઆઈએમઆઈએમ પાર્ટી મહા વિકાસ અઘાડીનો ખેલ બગાડશે
મહારાષ્ટ્રમાં બટોગે કટોગે જેવા સૂત્રોને કારણે મુસ્લિમ મતોનું મહા વિકાસ અઘાડીની તરફેણમાં એકપક્ષીય ધ્રુવીકરણ થવાની સંભાવના છે પણ હૈદરાબાદના સાંસદ અને એઆઇએમઆઇએમના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસી મહા વિકાસ અઘાડીની બાજી બગાડશે તેવા નિર્દેશો મળી રહ્યા છે.
ઓવૈસીએ ચૂંટણીની જાહેરાત થઈ તે પૂર્વે મહા વિકાસ અઘાડી સાથે ગઠબંધન કરવાની તૈયારી દાખવી હતી. જોકે અઘાડીએ એ દરખાસ્તને ફગાવી દેતા ઓવૈસીના પક્ષના 16 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. મુંબઈ અને ઔરંગાબાદ જિલ્લામાં અનેક બેઠકો પર મુસ્લિમ મતદારો નિર્ણાયક બની શકે છે. પણ ઓવૈસીના ઉમેદવારોને કારણે થનારું મુસ્લિમ મતોનું નોંધપાત્ર વિભાજન મહા વિકાસ અઘાડી માટે જોખમરૂપ મનાઈ રહ્યું છે.
મહા વિકાસ અગાડીની દલિત વોટબેંકમાં પ્રકાશ આંબેડકર મસ મોટાં ગાબડાં પાડશે
મહારાષ્ટ્રમાં 14 ટકા મતદારો દલિત અને બૌદ્ધ દલિત સમુદાયના છે. મુંબઈ, વિદર્ભ અને મરાઠાવાડાની બેઠકો પર દલિત મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશ આંબેડકર શક્તિશાળી દલિત નેતા તરીકે ઉભરી આવ્યા છે. તેમના વંચિત બહુજન અઘાડી પક્ષે મહારાષ્ટ્રની 67 બેઠકો પર ઉમેદવાર ઊભા રાખ્યા છે. તેમનો પક્ષ દલિત મતોનું મોટાપાયે વિભાજન કરશે અને તેનું નુકસાન મહા વિકાસ અઘાડીને જશે તેવું માનવામાં આવે છે. નોંધનીય છે કે લોકસભાની ચૂંટણીમાં પણ વંચિત બહુચંદ અઘાડીના ઉમેદવારોએ 10 બેઠકો પર મહાયુતી નો ખેલ બગાડ્યો હતો.
મરાઠા મતદારો કોની નાવડી તારશે ? કોની ડુબાડશે?
મહારાષ્ટ્રમાં 30 ટકા વસ્તી ધરાવતા મરાઠા મતદારો ભાજપથી નારાજ છે. મરાઠા અનામત આંદોલનના નેતા મનોજ જરાંગે પાટીલે ચૂંટણી જંગમાંથી પોતાના ઉમેદવારોને પરત ખેંચી લીધા તે પછી મરાઠા સમુદાયના વલણ અંગે રહસ્ય સર્જાયું છે. મુંબઈ, મરાઠાવાડા, વિદર્ભ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં મરાઠા મતદારો જે તે ઉમેદવારનું ભાગ્ય નક્કી કરે છે. લોકસભાની ચૂંટણી પૂર્વે મનોજ જરાંગે પાટીલે ભારતીય જનતા પક્ષ અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વિરુદ્ધ આક્રમક પ્રચાર કર્યો હતો. ભાજપે મરાઠાઓને દગો આપ્યો હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતીના રકાસ માટે તેમનો એ વિરોધ કારણભૂત હતો તેવું માનવામાં આવે છે. મતદાન ને હવે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે પ્રચારના અંતિમ ચરણમાં પણ તેમણે ભાજપ સામે પ્રહારો વધુ તેજ કર્યા હતા. આ સંજોગોમાં મરાઠા મતદારો કોને નાવડી પાર લગાવશે અને કોની ડુબાડશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
કયા પક્ષના કેટલા ઉમેદવારો મેદાનમાં
મહાયુતી
ભાજપ 145
શિવસેના 81
એનસીપી 59
મહા વિકાસ અઘાડી
કોંગ્રેસ 102
શિવસેના (ઠાકરે )92
એનસીપી (શરદ પવાર) 86
અન્ય પક્ષો
એમએનએસ 125
એઆઈએમઆઈએમ 16
વંચિત બહુજન અગાડી 67