૧૫ માર્ચ સુધી એડવાન્સ ટેક્સ ભરી દેવા આવકવેરા સંદેશા મોકલશે
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં થયેલા મોટા નાણાકીય વ્યવહારો અંગેની માહિતી મેળવી: એસએમએસ અને ઇ-મેઈલથી એલર્ટ કરવામાં આવશે
આવકવેરા ખાતા દ્વારા ટૂંક સમયમાં જ કરદાતાઓને બાકી રહી જતાં ટેક્સ બારામાં એલર્ટ કરવા માટે ઇ-અભિયાન શરૂ કરવામાં આવનાર છે. ખાસ કરીને ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષ માટેના એડવાન્સ ટેક્સ બારામાં એલર્ટ મેસેજ મોકલવામાં આવશે. તેમ આવકવેરાના વર્તુળોએ જણાવ્યું હતું.
ઇ-મેઈલ અને એસએમએસ દ્વારા બાકી રહી જતાં એડવાન્સ ટેક્સ માટેનો સંદેશ મોકલવામાં આવશે. વ્યક્તિગત રીતે અને કોઈ પેઢીઓ દ્વારા મોટા નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોય તો તેનો હિસાબ કિતાબ કરીને ૧૫મી માર્ચ સુધીમાં એડવાન્સ ટેક્સ ભરી દેવાનો આદેશ કરી દેવામાં આવશે.
પોત-પોતાના મોટા નાણાકીય વ્યવહારોના હિસાબે કેલ્ક્યુલેટ કરીને એડવાન્સ ટેક્સની રકમ ભરવી પડશે. આવકવેરા ખાતા દ્વારા અલગ-અલગ સોર્સમાંથી કેટલાક આવા ખાસ પ્રકારના વ્યવહારોની માહિતી એકત્ર કરવામાં આવી છે. ઘણા લોકોનો એડવાન્સ ટેક્સ બાકી છે.
આ પ્રકારની વસૂલાતને એડવાન્સ ટેક્સ ઇ-અભિયાન નામ આપવામાં આવ્યું છે. વાર્ષિક માહિતી સ્ટેટમેન્ટ સાથે મેળવણી કરવામાં આવી છે અને તેમાં કેટલાક મોટા નાણાકીય વ્યવહારો બહાર આવ્યા છે પરંતુ એમણે એડવાન્સ ટેક્સની રકમ ભરી નથી. ટૂંક સમયમાં જ એસએમએસ અને ઇ-મેઈલ દ્વારા કરદાતાઓને એલર્ટ મેસેજ મોકલવામાં આવશે.