ધરતીનો ગર્ભ ચીરાઈ જાય, શૈતાનનું કાળજું ફફડી ઉઠે તેવા પીશાચી કૃત્યને ૩ ગીધડાએ આપ્યો અંજામ
ભક્તિનગર સ્ટેશન પ્લોટમાંથી ૮ વર્ષની બાળા પર પિતાના જ ૩ મીત્રોએ વારાફરતી દુષ્કર્મ ગુજારી મોતને ઘાટ ઉતારી દીધાનો ખુલાસો: પિતાને પીવાની ટેવ હોય વારંવાર ત્રણેય મીત્રોને `પાર્ટી’ માટે ઘેર બોલાવતો’ને ત્યારે જ હેવાનોએ નજર બગાડી કૃત્યને આપ્યો અંજામ
એકને રાજસ્થાનના ઉદયપુર, બીજાને વીરમગામ અને ત્રીજાને રાજકોટના લોહાનગરમાંથી પકડી લેવાયો: ગેંગરેપ સહિતની કલમો હેઠળ આકરાંમાં આકરી સજા કરાવવા પોલીસ લગાવી દેશે એડીચોટીનું જોર
દુષ્કર્મ ગુજાર્યા બાદ જો બાળકી તેના પિતાને કહી દેશે તો ફસાઈ જશું તેવા ડરને કારણે ત્યાં જ પડેલા પથ્થરથી માથું છુંદીને મોતને ઘાટ ઉતારી દીધી
શનિવારે બપોરે ચારેક વાગ્યાના સમયે ભક્તિનગર સ્ટેશન પ્લોટના ખુલ્લા પટની અવાવરું જગ્યામાંથી બાળકીની નિર્વસ્ત્ર હાલતમાં લાશ મળી આવતાં પોલીસમાં દોડધામ થઈ પડી હતી. બીજી બાજુ આ બાળકીના હત્યારાઓને શોધવા માટે પોલીસે આકાશ-પાતાળ એક કરી દઈ આખરે ત્રણ હેવાનોની ધરપકડ કરી લીધી છે. ધરતીનો ગર્ભ ચીરાઈ જાય, શૈતાનનું પણ કાળજું કંપી ઉઠે તેવા આ પીશાચી કૃત્યને અંજામ બાળકીના પિતાના ત્રણ મીત્રો દ્વારા જ આપવામાં આવ્યો હોવાનું ખુલતાં પોલીસે ત્રણેયને દબોચી લઈ આગવી ઢબે સરભરા કરી છે. આ ત્રણેયે અધમતાની હદ વટાવતાં જે ઘરમાં ખાધું ત્યાં જ નજર બગાડી આ હચમચાવી નાખનારું કૃત્ય કરી નાખ્યું હોવાનું ખુલ્યું છે.
ઝડપથી ઉકેલ લાવવાના પડકારજનક આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી ઝોન-૨, માલવિયાનગર સહિતની ટીમોએ ઝંપલાવ્યું હતું અને ત્રણ દિવસ સુધી દોડધામ કરી ત્રણેય આરોપીઓને પકડી લીધા હતા. પોલીસે મૃત બાળકીના પિતા જગદીશ રામચંદ્રભાઈ સોનીના મીત્ર મીતલેશકુમાર ઉર્ફે કાણીયો રામનારાયણ દાસ (ઉ.વ.૨૪, રહે.લક્ષ્મીનગર શેરી નં.૨, મુળ મોનાઈન કોઠી-બિહાર), ભરત કેશુભાઈ મીણા (ઉ.વ.૩૮, રહે.લક્ષ્મીનગર શેરી નં.૨, મુળ તીડી-ઉદયપુર (રાજસ્થાન) અને અમરેશ ઉફર્ષ બ્રિજેશ શંભુભાઈ કુલદીપ (ઉ.વ.૨૫, રહે.લોહાનગર, મફતીયાપરા પીરબાબાના મંદિર પાસે-રાજકોટ, મુળ ઈટીયાથોક ગામ-યુપી)ને પકડી પાડ્યા છે. ત્રણેયની પૂછપરછમાં એવી કબૂલાત આપી છે કે મીતલેશકુમાર તેમજ ભરત મીણાં બંને એક જ કારખાનામાં નોકરી કરે છે. આ બન્ને જગદીશ સોનીના ઘરની નજીકમાં એકલા જ રહેતા હોય એકબીજાના ઘેર આવવા-જવાનો વ્યવહાર હતો. આ વાતનો લાભ લઈ મીતલેશ જગદીશ સોનીની બાળકીને લલચાવી ફોસલાવી બનાવવાળી જગ્યા પર લઈ ગયો હતો જ્યાં અગાઉથી જ ભરત અને અમરેશ પહેલાંથી હાજર હતા. બાળકી અહીં આવ્યા બાદ અજુગતું લાગતાં રાડો પાડવા લાગી હતી પરંતુ તેનું મોઢું દબાઈ અગાઉથી જ ઘડેલા પ્લાન મુજબ ત્રણેયે વારાફરતી બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું.
દુષ્કર્મ ગુજાર્યા બાદ ત્રણેયને એમ થયું હતું કે જો બાળકીને જીવતી રહેવા દેશે તો તેના પિતા જગદીશ સોનીને આ વાતની જાણ કરી દેશે એટલા માટે ત્રણેયે ત્યાં પડેલા મોટા પથ્થર વડે જ બાળકીનું મોઢું છુંદી નાખ્યું હતું. આટલેથી જ નહીં અટકતાં ત્રણેયે શરીરના અન્ય ભાગો ઉપર પણ પથ્થરના ઘા માર્યા હતા.
પોલીસે ત્રણ દિ’ ભોજન-ઉંઘનો ત્યાગ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરીના માર્ગદર્શન એસીપી (ક્રાઈમ) બી.બી.બસીયા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ વાય.બી.જાડેજા, પીઆઈ બી.ટી.ગોહિલ, એસઓજી પીઆઈ જે.ડી.ઝાલા, માલવિયાનગર પીઆઈ એ.બી.જાડેજા, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ કે.ડી.પટેલ, એન.ડી.ડામોર, એ.એન.પરમાર, ડી.સી.સાકરિયા, એ.એસ.ગરચર ઉપરાંત એલસીબી ઝોન-૨ પીએસઆઈ આર.એચ.ઝાલા, માલવિયાનગર પોલીસ મથક, સર્વેલન્સ સ્કવોડ તેમજ ડીસીબી, એસઓજી અને ઝોન-૨ એલસીબીની તમામ ટીમોના કર્મીઓએ ત્રણ દિવસ સુધી ભોજન-ઉંઘનો ત્યાગ કરી રાજકોટથી રાજસ્થાન સુધી દોડીને આરોપીઓને પકડી પાડ્યા હતા અને હચમચાવી નાખે તેવા આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
દિનદુનિયા ન જાણતી બાળકી ખાવાનું મળશે તેવું માનીને ગઈ’તી પણ…
કાળજું કંપી જાય તેવી આ ઘટનામાં ભોગ બનાર બાળકીની ઉંમર માત્ર ૮ વર્ષ છે જેને દિનદુનિયાનો કોઈ જ ખ્યાલ ન્હોતો. તે તો પિતાના મીત્ર હોવાને નાતે મીતલેશ સાથે ખાવાનું મળશે તેવું માનીને ગઈ હતી પરંતુ તેને ક્યાં ખબર હતી કે તેને ખાવાની જગ્યાએ મોત મળશે અને તેના ઉપર ત્રણ ત્રણ વરુઓ દુષ્કર્મ ગુજારી પોતાની હવસ સંતોષશે !!
બાળકીની ઉંમર ૮ વર્ષ, દુષ્કર્મીઓમાંથી એક ૩૮, બીજો ૨૫ અને ત્રીજો ૨૪ વર્ષનો: જરા અમથો ખ્યાલ નહીં આવ્યો હોય ?
આ બનાવમાં ભોગ બનાર બાળકીની ઉંમર માત્ર ૮ વર્ષ જ છે જ્યારે તેના પર પાશવી કૃત્ય કરનાર એક આરોપી મીતલેશ ઉર્ફે કાણીયો કે જેની ઉંમર ૨૪ વર્ષ છે, તેના ઉપરાંત ભરત મીણા કે જેની ઉંમર ૩૮ વર્ષ અને અમરેશ ઉર્ફે બ્રિજેશ કે જેની ઉંમર ૨૫ વર્ષ છે. એકંદરે આ ત્રણેય કરતા ત્રણ ગણી નાની ઉંમર ધરાવતી બાળકી ઉપર દુષ્કર્મ ગુજારવાનું સૂઝ્યું કેવી રીતે હશે, શું આ ત્રણેયને જરા અમથો વિચાર નહીં આવ્યો હોય કે તેઓ શું કરી રહ્યા છે ? આ સહિતના પ્રશ્નો અત્યારે લોકમાનસમાં ઘૂમરાઈ રહ્યા છે.
કાંડ કરીને ભરત ઉદયપુર પહોંચ્યો, મીતલેશ બિહાર પહોંચે તે પહેલાં ચાલું ટે્રને વીરમગામથી પકડાયો, ત્રીજો અહીં જ હતો
પોલીસ પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે બાળકી પર દુષ્કર્મ જેવી જઘન્ય કૃત્ય આચરીને ભરત કેશુભાઈ મીણા સીધો રાજસ્થાનના ઉદયપુર પાસે આવેલા પોતાના તીડી ગામમાં જઈને છૂપાઈ ગયો હતો. જ્યારે બીજો આરોપી મીતલેશકુમાર ઉર્ફે કાણીયો ટે્રન મળી જતાં તેમાં બેસી ગયો હતો અને અમદાવાદ પહોંચવાની તૈયારીમાં હતો. જો કે પોલીસે ચાલું ટે્રને વીરમગામથી જ તેને દબોચી લીધો હતો. આવી જ રીતે ત્રીજો આરોપી અમરેશ ઉર્ફે બ્રિજેશ લોહાનગરમાંથી જ મળી આવ્યો હતો.
અમરેશ ઉર્ફે બ્રિજેશ એક મહિના પહેલાં જ રાજકોટ આવ્યો’તો
પોલીસના જણાવ્યા પ્રમાણે મીતલેશ અને ભરત છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહીને કાસ્ટીંગના કારખાનામાં નોકરી કરવા ઉપરાંત છૂટક મજૂરી કરતા હતા જ્યારે અમરેશ ઉર્ફે બ્રિજેશ એક મહિના પહેલાં જ રાજકોટ આવ્યો હતો અને અહીં આવીને મજૂરી કામ કરતો હતો. જો કે દારૂ પીવાની ટેવ હોવાથી ત્રણેય સાથે જ બાળકીના પિતા જગદીશ સોની સાથે મહેફિલ માણી રહ્યા હતા.
હિંમત તો જુઓ, કૃત્ય કરીને બાળકીની શોધમાં લાગી ગયા !
બાળકી પર દુષ્કર્મ આચરીને મોતને ઘાટ ઉતારી દીધા બાદ ત્રણેય આરોપીઓ બાળકીની શોધખોળમાં પણ લાગી ગયા હતા. જો કે શનિવારે બપોરના સમયે બાળકી મૃત હાલતમાં મળી આવતાં પોતાનો ભાંડો ફૂટી જશે તેવો ડર સતાવવા લાગતાં મીતલેશ અને ભરત રાજકોટમાંથી ભાગી ગયા હતા જ્યારે અમરેશ કાંઈ જ ન બન્યું હોય તેવી રીતે અહીં રોકાયો હતો.
`નશા’એ ફરી પગ ધ્રુજી જાય તેવી ઘટનાને આપ્યો અંજામ !
દારૂ-ડ્રગ્સ-ચરસ-ગાંજા સહિતના મદાક પદાર્થોનો નશો માણસને કેવા કૃત્ય સુધી લઈ જાય છે તે વાત રાજકોટમાં બનેલા બબ્બે બનાવો પરથી પ્રતિપાદિત થઈ રહી છે. થોડા સમય પહેલાં આજીડેમ પાસે સગીરાનો દેહ ચૂંથનાર આરોપી પણ નશેડી હતો જ્યારે ૮ વર્ષની બાળકી પર સામૂહિક દુષ્કર્મ આચરનારા ત્રણેય આરોપીઓ પણ દારૂ પીવાની ટેવ ધરાવતા હોય હચમચાવી નાખે તેવી આ ઘટનાને અંજામ અપાયો છે.