દેશના કયા રાજ્યમાં ઠંડીથી થયા 15 ના મોત ? કયા રાજ્યમાં શું હાલત છે ? જુઓ
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ જેવા પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે. હવામાન વિભાગે 10 રાજ્યો – દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓડિશા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. યુપીની હાલત વધુ ખરાબ છે. અહીં ઠંડીથી 15 લોકોના મોત થયા છે. 46 જિલ્લાઓમાં બરફીલી હવા ચાલી રહી છે. દિલ્હી કોલકત્તા અને લખનૌમાં ધુમ્મસને લીધે 100 ફ્લાઇટ મોડી થઈ હતી.
દિલ્હી, કોલકાતા અને લખનૌ એરપોર્ટ પર ધુમ્મસના કારણે 100 થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી છે અથવા ડાયવર્ટ કરવામાં આવી છે. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કોલકાતા, પટના અને શ્રીનગરથી આવતી ફ્લાઈટને અસર થઈ છે. લખનૌ એરપોર્ટ પર 20થી વધુ ફ્લાઈટ્સ મોડી પડી હતી. કોલકાતા એરપોર્ટ પર દિલ્હી અને હૈદરાબાદથી આવતી ફ્લાઈટને નાગપુર, ભુવનેશ્વર અને રાયપુર તરફ વાળવી પડી હતી.
આ સિવાય દિલ્હીમાં સવારે વરસાદ પડ્યો હતો. ધુમ્મસના કારણે 10 ટ્રેનો પણ મોડી પડી છે. કાનપુર રેલવે સ્ટેશન પર પણ 93 ટ્રેનો 11 કલાક મોડી પડી હતી. ઉત્તર પ્રદેશમાં ઠંડીના કારણે 24 કલાકમાં 15 લોકોના મોત થયા છે.
સોમવારથી રાજસ્થાનમાં તાપમાનમાં તીવ્ર ઘટાડો થઈ શકે છે. દિવસ અને રાત્રિના તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. શીત લહેરની પણ અસર જોવા મળશે. મધ્યપ્રદેશમાં 7 જાન્યુઆરીથી ફરી તીવ્ર ઠંડીનો સમયગાળો શરૂ થશે. 10 જાન્યુઆરીએ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.