દેશમાં કયા ક્ષેત્રમાં જોરદાર પ્રગતિ થઈ રહી છે ? કોણે શું કહ્યું ? વાંચો
દેશમાં માળખાગત ક્ષેત્રને વર્લ્ડકલાસ બનાવવાની યોજના બની છે. એક્સપ્રેસ વે અને હાઇવે નિર્માણ થઈ રહ્યા છે અને હવે સરકારની નજર દેશમાં સુરંગો બનાવવા તરફ મંડાઇ છે. આવનારા સમયમાં દેશમાં 153 જેટલી સુરંગો બનશે તેમાં કોઈ શંકા નથી. આ માટે પ્લાન બની રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ મુજબની જાણકારી ગુરુવારે આપી હતી. એમણે કહ્યું હતું કે આ સુરંગો માટે કેન્દ્ર સરકાર રૂપિયા 1.60 લાખ કરોડ ખર્ચ કરવા જઈ રહી છે. આમ થવાથી દેશના અતિશય દુર્ગમ વિસ્તારોમાં પણ સડક માર્ગે જવામાં સરળતા થઈ જશે અને પરિવહન સહિત પ્રવાસનને પણ ઘણો ફાયદો થશે.
75 સુરંગોનું કામ ચાલે છે
એમણે એવી માહિતી પણ આપી હતી કે દેશમાં રૂપિયા 49 હજાર કરોડની રોકાણ ધરાવતી રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનાઓ હેઠળ અત્યારે 75 જેટલી સુરંગોનું કામ ચાલી રહ્યું છે. વિશ્વ સુરંગ દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલતા એમણે કહ્યું હતું કે દેશમાં સુરંગ ક્ષેત્રમાં અપાર સંભાવનાઓ છે.
ગડકરીએ એમ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીનું સપનું ભારતને દુનિયાનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનાવવાનું છે અને આ લક્ષ્યને પામવા માટે આપણે દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું માળખું બનાવવાનું છે. અત્યારની અમારી સરકારે માળખાગત ક્ષેત્રના વિકાસને અગ્રતાક્રમ આપ્યો છે.
35 સુરંગ યોજનાઓ પૂરી થઈ
આ પ્રયાસોને કારણે જ નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા રૂપિયા 20 હજાર કરોડના ખર્ચવાળી 49 કિલોમીટર લાંબી 35 સુરંગ પરિયોજનાઓ પૂરી કરી લીધી છે. હજુ પણ દેશમાં બીજી 75 સુરંગોનું કામ ચાલી રહ્યું છે. હજુ બીજી 78 સુરંગ પરિયોજનાઓ આવી રહી છે.