યુપીના કયા શહેરમાં મસ્જિદ અંગે વિવાદ ઊભો થયો ? વાંચો
મુઝફ્ફરનગરમાં શત્રુ સંપત્તિ છે ત્યાં મસ્જિદ બન્યાનો દાવો: પાકના પ્રથમ વડાપ્રધાનના ભાઈની જમીન હતી
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં એક મસ્જિદને લઈને વિવાદ સામે આવ્યો છે. અહીં પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાનના ભાઈ સજ્જાદ અલી ખાનની જમીન મળી છે. ગૃહ મંત્રાલય હેઠળના શત્રુ સંપત્તિ સંરક્ષણ કાર્યાલયે મુઝફ્ફરનગરમાં એક મસ્જિદ અને તેના પર આવેલી કેટલીક દુકાનોની જમીનને ‘શત્રુ સંપત્તિ’ તરીકે જાહેર કરી છે.
જૂનો વિવાદ
એક સત્તાવાર દસ્તાવેજ અનુસાર, આ જમીન પાકિસ્તાનના પહેલા વડાપ્રધાન લિયાકત અલી ખાનના ભાઈ સજ્જાદ અલી ખાનની છે. આ જમીનો વકફ પ્રોપર્ટી હોવાના દાવાઓ વચ્ચે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ અને ત્યારબાદ શત્રુ સંપત્તિ સંરક્ષણ કાર્યાલયની ટીમે જણાવ્યું હતું કે, ‘મુઝફ્ફરનગર રેલવે સ્ટેશનની સામે સ્થિત 0.082 હેક્ટર જમીન સજ્જાદ અલીના નામે છે. તે રૂસ્તમ અલીનો પુત્ર અને લિયાકત અલી ખાનનો ભાઈ હતો.’
આ જમીન અગાઉ રૂસ્તમ અલીના નામે નોંધાયેલી હતી. વિભાજન પછી જ્યારે રૂસ્તમ અલીનો પરિવાર પાકિસ્તાન ગયો ત્યારે તેની અન્ય મિલકત ‘શત્રુ સંપત્તિ’ જાહેર કરાઈ હતી. જો કે બાદમાં આ જમીનનો કબજો લેવામાં આવ્યો હતો. ત્યાં એક મસ્જિદ બનાવવામાં આવી હતી.