ઉત્તર પ્રદેશમાં ચૂંટણીપંચે 7 પોલીસકર્મીને કર્યા સસ્પેન્ડ
મતદારોને મતદાન કરતા અટકાવતા હોવાના વિડીયો જોયા બાદ ચૂંટણી પંચની આકરી કાર્યવાહી
ઉત્તર પ્રદેશમાં પેટાચૂંટણીના મતદાન દરમિયાન મતદારોને મતદાન કરવાથી રોકવામાં આવી રહ્યા છે તેવી સમાજવાદી પાર્ટીએ કરેલી ફરિયાદ બાદ અને વિડીયો નિહાળ્યા બાદ ચૂંટણી પંચે સાત પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દીધા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કાનપુરની સિસામાઉ વિધાનસભાના વીડિયોને ધ્યાનમાં લઈને બે સબ ઈન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે જ સમયે, મુઝફ્ફરનગરમાં બે નિરીક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. આ સિવાય ફરિયાદ મળ્યા બાદ SSP મુરાદાબાદએ કુંડાર્કીમાં એક સબ ઈન્સ્પેક્ટર અને બે કોન્સ્ટેબલને ફરજ પરથી હટાવી દીધા છે. ત્રણેય સામે ખાતાકીય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
યુપી પેટાચૂંટણી દરમિયાન કેટલાક સમુદાયોને મતદાન કરવાથી રોકવામાં આવી હોવાની સમાજવાદી પાર્ટીની સોશિયલ મીડિયા પર ફરિયાદોને ધ્યાનમાં લેતા, મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે યુપી ચૂંટણી પંચ અને તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને કડક સૂચના આપી હતી. પંચે કહ્યું કે મતદાન પ્રક્રિયા નિષ્પક્ષ અને સરળ રીતે થાય તેની ખાતરી કરવી જોઈએ. તમામ ફરિયાદોની તાત્કાલિક નોંધ લો અને તાત્કાલિક પગલાં લો અને ફરિયાદીને સોશિયલ મીડિયા દ્વારા પણ ટેગ કરીને તેની જાણ કરો.