લે બોલો !! આ રાજ્યમાં ત્રીજા બાળકના જન્મ પર મળશે ભેટ, છોકરો થશે તો ગાય-છોકરી થશે રૂ. 50 હજાર આપવાની વિચિત્ર જાહેરાત
દેશભરમાં અત્યારે સુધી ‘અમે બે અમારા બે’ નો વિચાર ચાલતો આવ્યો છે. મોટા ભાગે કપલ માત્ર બે બાળકોને જન્મ આપવાના વિચારનું અનુકરણ કરતા હોય છે. વર્ષો પહેલા સરકારે પણ આ વિચારને પ્રોત્સાહન આપ્યું હતું. પરંતુ હવે એક નવી રાહ ચિંધવામાં આવી રહી હોવાના અહેવાલો થોડા સમયથી વહેતા થયા છે. આંધ્ર પ્રદેશમાં તેલુગુ દેશમ પાર્ટીના વિજયનગરમના સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ વિચિત્ર જાહેર કરી છે. સાંસદ કાલીસેટ્ટી અપ્પલા નાયડુએ કહ્યું છે કે, જે મહિલા ત્રીજા બાળકને જન્મ આપશે તેને ભેટ મળશે. છોકરીનો જન્મ થશે તો 50,000 રૂપિયા અને છોકરાનો જન્મ થશે તો ગાય ભેટ આપવામાં આવશે.
કાલિસેટ્ટીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day) પર એક કાર્યક્રમમાં આ વાત કહી. આ માટે તેમને ખુદ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ તરફથી પ્રશંસા મળી રહી છે. આ નિવેદન મુખ્યમંત્રી નાયડુના વસ્તી વૃદ્ધિના આહ્વાનના પ્રતિભાવમાં આવ્યું છે. મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ જાહેરાત કરી હતી કે મહિલા કર્મચારીઓને બાળકોની સંખ્યા ગમે તે હોય, પ્રસૂતિ રજા આપવામાં આવશે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, મહિલાઓએ શક્ય તેટલા બાળકોને જન્મ આપવો જોઈએ. એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી નાયડુએ કહ્યું હતું કે બધી મહિલા કર્મચારીઓને પ્રસૂતિ રજા મળશે, ભલે તેમના કેટલા પણ બાળકો હોય. નાયડુએ મહિલાઓને શક્ય તેટલા વધુ બાળકોને જન્મ આપવા વિનંતી કરી હતી જેથી રાજ્યની યુવા વસ્તી વધે.
નાયડુએ ઓક્ટોબર 2024માં રાજ્યમાં લોકોની વધતી સરેરાશ ઉંમર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ઓછામાં ઓછા બે કે તેથી વધુ બાળકોનો જન્મ થવો જોઈએ. સરકાર એવો કાયદો બનાવશે કે જેમના બે કે તેથી વધુ બાળકો હશે તેઓ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી શકશે.
ભારત વૃદ્ધ થઈ રહ્યું છે, યુવાનોની વસ્તી ઘટી રહી છે. કેન્દ્રના યુથ ઇન ઇન્ડિયા-2022 રિપોર્ટ મુજબ, 2036 સુધીમાં દેશની માત્ર 34.55 કરોડ વસ્તી જ યુવાન રહેશે, જે હાલમાં 47% થી વધુ છે. હાલમાં, દેશમાં 15 થી 25 વર્ષની વયના 25 કરોડ યુવાનો છે. આગામી 15 વર્ષોમાં તે વધુ ઝડપથી ઘટશે.