ટેસ્ટ ફોર્મેટમાં પણ ‘સ્લો ઓવરરેટ’ પર લાગશે 5 રનની પેનલ્ટી : બોલ બદલાવવો પડે એટલે જાણી જોઈને થૂંક લગાવનારા પણ દંડાશે
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (ICC)એ પુરુષ ક્રિકેટના નિયમોમાં અનેક ફેરફાર કર્યા છે. હવે ટેસ્ટ ક્રિકેટમાં પણ વ્હાઈટ બોલ ક્રિકેટની જેમ સ્ટોપ ક્લોકનો ઉપયોગ થવા લાગ્યો છે જેના કારણે ટીમ ઉપર સ્લો ઓવર રેટ બદલ પાંચ રનની પેનલ્ટી લાગી શકે છે. આ ઉપરાંત બોલ ઉપર થૂક લગાવવાના નિયમમાં પણ ફેરફાર કરાયો છે. બોલ ઉપર થૂક લગાવવા પર પ્રતિબંધ યથાવત છે પરંતુ હવે આવું થવા પર બોલ બદલાવવો અનિવાર્ય નહીં હોય પરંતુ જાણીજોઈને આવું કરાયું હશે તો પાંચ રનની પેનલ્ટી લાગશે.

વ્હાઈટ બોલ ફોર્મેટમાં સ્ટોપ ક્લોક શરૂ કરવાના એક વર્ષ બાદ ICCએ તેને ટેસ્ટ ક્રિકેટમાં પણ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ફોર્મેટમાં સ્લો ઓવરરેટ લાંબા સમયથી એક સમસ્યા રહી છે. નિયમ પ્રમાણે ફિલ્ડિંગ કરનારી ટીમને ઓવર પૂર્ણ થવાની એક મિનિટની અંદર બીજી ઓવર શરૂ કરવા માટે તૈયાર રહેવું પડશે. આવું ન કરવા પર અમ્પાયર તરફથી બે વખત ચેતવણી મળશે અને ત્યારબાદ પણ સુધારો નહીં થાય તો પાંચ રનની પેનલ્ટી લાગશે. આ બે ચેતવણી ઈનિંગમાં 80 ઓવર સુધી માન્ય રહેશે. આ નિયમ 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સત્રથી લાગુ કરી દેવાઈ છે.
આ પણ વાંચો : પોરબંદરના રાણાવાવ ખાતે પૂજ્ય જલારામ બાપાના મંદિરના મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો રંગેચંગે પ્રારંભ
એવું પણ જોવા મળ્યું છે કે અનેક ટીમ બોલ બદલાવવો પડે એટલા માટે જાણીજોઈને બોલ ઉપર થૂક લગાવે છે. હવે અમ્પાયર માત્ર ત્યારે જ બોલ બદલશે જ્યારે બોલમાં ઘણો બધો ફેરફાર થયો હોય.
DRSને લઈને પણ નવો નિયમ લાગુ પડશે. ઉદાહરણ તરીકે બેટરને કેચઆઉટ આપવામાં આવ્યો છે અને તે રિવ્યુ લ્યે છે. ત્યારબાદ અલ્ટ્રાએઝમાં બતાવાય છે કે બોલ બેટથી નહીં બલ્કે બેટરના પેડ સાથે અથડાયો છે. કેચઆઉટ ચેક કર્યા બાદ ટીવી અમ્પાયર એલબીડબલ્યુ ચેક કરવા માટે બોલ ટ્રેકિંગનો ઉપયોગ કરે છે. અત્યાર સુધી આ પ્રકારના રિન્યુ દરમિયાન પ્રોટોકોલ એવો હતો કે એક વખત નિર્ધારિત થઈ જાય કે બેટર કેચઆઉટ નથી થયો તો પછી તેને એલબીડબલ્યુ પણ ગણવામાં આવતો ન્હોતો. જો કે નવા નિયમ પ્રમાણે જ્યારે એલબીડબલ્યુ માટે બોલ ટ્રેકિંગ ગ્રાફિક પ્રદર્શિત કરવામાં આવશે તેના ઉપર ઓરિજિનલ ડિસીઝન લેબલ `આઉટ’ લખેલું હશો. અમ્પાયર કોલે થવા ઉપર પણ બેટર આઉટ ગણાશે.