૨૦૨૩-૨૪ના નાણાંકીય વર્ષમાં લોકો’અચ્છે દિન’ની રાહ જોતા રહ્યા પણ બહુ ફેર પડ્યો નહી..વાંચો મોંઘવારી ક્યાં પહોંચી
સવારની ચા મોંઘી… દાળ અને ચોખા મોંઘા, પણ એલપીજી અને પેટ્રોલ-ડીઝલ સસ્તા!
નાણાકીય વર્ષ 2023-24 પૂરું થઈ ગયું છે અને ૧ એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરુ પણ થઇ ગયું છે. વીતેલા વર્ષમાં મોંઘવારીની વાત કરીએ તો અનેક જગ્યાએ લોકોને રાહત મળી છે તો કેટલીક જગ્યાએ પરેશાનીઓનો સામનો પણ કરવો પડ્યો છે. આ 12 મહિનામાં ખાદ્યપદાર્થોની મોંઘવારીએ લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, જ્યારે પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થતા લોકોની મુશ્કેલીમાં ઘટાડો થયો છે.
દૂધ અને ખાંડ મોંઘી થઈ
ભારતમાં મોટાભાગના લોકો તેમના દિવસની શરૂઆત સવારની ચાથી કરે છે. ચા બનાવવા માટે સૌથી વધુ જરૂરી દૂધ અને ખાંડ છે. ગત નાણાકીય વર્ષમાં દૂધ અને ખાંડ બંનેના ભાવમાં સરેરાશ ત્રણ રૂપિયાનો વધારો થયો છે. 1 એપ્રિલ 2023ના રોજ દૂધની કિંમત 56 રૂપિયા પ્રતિ લીટર હતી, જે હવે 3 રૂપિયા વધીને 59 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. એ જ રીતે ખાંડની કિંમત પણ 3 રૂપિયા વધીને 41 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
કોમર્શિયલ-ડોમેસ્ટિક ગેસ સિલિન્ડર સસ્તા
જો ગયા વર્ષે એલપીજી સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો હોત તો ચા બનાવવી વધુ મોંઘી બની શકત. પરંતુ પાછલા નાણાકીય વર્ષમાં કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા ઘટાડાને કારણે લોકોને ફાયદો થયો છે. છેલ્લા 12 મહિનામાં ઘરેલું ગેસ સિલિન્ડર પણ 300 રૂપિયા સસ્તું થયું છે. 1 એપ્રિલ, 2023ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી, ત્યારે 1 એપ્રિલ, 2024ના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત ઘટીને 803 રૂપિયા થઈ ગઈ છે.
પેટ્રોલ અને ડીઝલ સસ્તું
પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીથી લોકોને છેલ્લા વર્ષમાં મામૂલી રાહત મળી છે. રશિયા-યુક્રેન યુદ્ધ પછી 2022માં પેટ્રોલ અને ડીઝલની મોંઘવારીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. પરંતુ ત્યારબાદ મે 2022માં સરકારે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરીને લોકોને તેમના મોંઘા ભાવથી રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી, પેટ્રોલ અને ડીઝલની કિંમતો લાંબા સમય સુધી સ્થિર રહી હતી, પરંતુ છેલ્લા કારોબારી વર્ષની વિદાય પહેલા, ફરી એકવાર લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી છે. 1 એપ્રિલ, 2023ના રોજ એક લિટર પેટ્રોલની કિંમત 96 રૂપિયા હતી, જયારે 1 એપ્રિલ, 2024ના રોજ પેટ્રોલની કિંમત 94 રૂપિયા પ્રતિ લિટર હતી. 15 માર્ચે પેટ્રોલિયમ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર 2 રૂપિયા અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. ડીઝલની કિંમત ઘટીને 87 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે જે 1 એપ્રિલ 2023ના રોજ 89 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ હતું.
દાળ અને ચોખા મોંઘા
છેલ્લા વર્ષમાં મોંઘવારીએ બપોરના ભોજનને થોડું મોંઘુ બનાવ્યું છે. 2023-24 ખાદ્ય મોંઘવારી વધવાનું વર્ષ સાબિત થયું છે. આ સમયગાળા દરમિયાન, શાકભાજીના ભાવોએ પણ રેકોર્ડ તોડવામાં કોઈ કસર છોડી નથી. તે જ સમયે, દાળ અને ચોખામાં મોંઘવારી પણ લોકોના ખિસ્સા ખાલી કરતી રહી છે. 1 એપ્રિલ, 2023ના રોજ તુવેર દાળની કિંમત 115 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી, જે 31 માર્ચ, 2024ના રોજ 33 રૂપિયા વધીને 148 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ હતી. આ ગાળામાં ચોખાના ભાવમાં પણ વધારો થયો છે. જ્યારે 1 એપ્રિલ, 2023ના રોજ ચોખાની કિંમત 39 રૂપિયા પ્રતિ કિલો હતી, તે વર્ષના અંત સુધીમાં વધીને 44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ. તે જ સમયે, રોટલી માટે વપરાતા લોટની કિંમત પણ 2 રૂપિયા વધીને 34 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 36 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
બટાકા અને ટામેટાં મોંઘા થયા
પાછલા વર્ષમાંદાળ અને ભાત મોંઘા થયા છે, તો દરેક શાકભાજીની સાથે સારા એવા બટાકા અને ટામેટાંના ભાવે પણ લોકોનું બજેટ બગાડ્યું છે. વર્ષ ગયા વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં ટામેટા 250 રૂપિયા પ્રતિ કિલોના સ્તરને પણ વટાવી ગયા હતા. જોકે આ પછી ટામેટાંના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. 1 એપ્રિલ, 2023ના રોજ ટામેટાની કિંમત 22 રૂપિયા હતી જે હવે વધીને 32 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, એટલે કે એક વર્ષમાં ટામેટાની કિંમત 10 રૂપિયા પ્રતિ કિલો વધી ગઈ છે. બટાટા પણ ગયા વર્ષે રૂ.5 મોંઘા થયા છે. 1 એપ્રિલ 2023ના રોજ બટાકાની કિંમત 18 રૂપિયા હતી જે હવે વધીને 23 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.