ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશે પાકિસ્તાનના કર્યા સૂપડા સાફ : ઘરઆંગણે 2-0થી હરાવી રચ્યો ઇતિહાસ
ટેસ્ટ ક્રિકેટમાં બાંગ્લાદેશે ઇતિહાસ રચ્યો છે અને પાકિસ્તાનની આબરુ ધૂળધાણી કરીને બીજી ટેસ્ટમાં સૂપડા સાફ કર્યાં છે. 2-0થી ટેસ્ટ શ્રેણી કબજે કરીને હતી. બાંગ્લાદેશી ટીમે ઘરઆંગણે બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું. આ રીતે બાંગ્લાદેશી ટીમે પ્રથમ વખત પાકિસ્તાન સામે ટેસ્ટ શ્રેણીમાં જીત નોંધાવી છે. બાંગ્લાદેશને 185 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
મેચના પાંચમા દિવસે મુશ્ફિકુર રહીમ (22) અને શાકિબ અલ હસન (21) અણનમ પરત ફર્યા અને પોતાની ટીમને જીત તરફ દોરી ગયા. બાંગ્લાદેશ તરફથી બીજી ઈનિંગમાં ઝાકિર હસને સૌથી વધુ 40 રન બનાવ્યા હતા.બાંગ્લાદેશ સામે પહેલીવાર પાકિસ્તાનનો ‘વ્હાઈટવોશ’ થયો છે. બાંગ્લાદેશે 3 સપ્ટેમ્બરે મેચના છેલ્લા અને પાંચમા દિવસે પાકિસ્તાનને હરાવીને શ્રેણી 2-0થી કબજે કરી હતી.
રાવલપિંડીમાં રમાયેલી આ ટેસ્ટ મેચ વરસાદને કારણે વિક્ષેપિત થઈ હતી. આ મેચમાં પહેલા રમતા પાકિસ્તાને પ્રથમ દાવમાં 274 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના વાઇસ કેપ્ટન સેમ અયુબે 58 રન બનાવ્યા હતા. જ્યારે બાંગ્લાદેશ તરફથી મેહદી હસન મિરાજે 61 રનમાં 5 વિકેટ લીધી હતી.
લિટન દાસના 138 રનની મદદથી બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 262 રન બનાવ્યા હતા. આ દરમિયાન ખુર્રમ શહઝાદે 90 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. પાકિસ્તાની ટીમ બીજા દાવમાં માત્ર 172 રનમાં સમેટાઈ ગઈ હતી. આ દરમિયાન હસન મહમૂદે 5 અને નાહીદ રાણાએ 4 વિકેટ ઝડપી હતી.
બાંગ્લાદેશે પ્રથમ ટેસ્ટ 10 વિકેટે જીતી
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ રાવલપિંડીમાં રમાઈ હતી. આ મેચમાં બાંગ્લાદેશે યજમાન ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું. આ મેચમાં પાકિસ્તાનની ટીમે 448/6 પર પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો. જવાબમાં બાંગ્લાદેશે પ્રથમ દાવમાં 565 રન બનાવ્યા હતા. આ પછી પાકિસ્તાની ટીમ પ્રથમ દાવમાં 146 રનમાં સમેટાઈ ગઈ હતી. આ પછી બાંગ્લાદેશે 30 રન બનાવ્યા અને 10 વિકેટે જીત મેળવી.
બાંગ્લાદેશે આ મોટી ટીમોને ટેસ્ટમાં હરાવી હતી
બાંગ્લાદેશે તેની પ્રથમ ટેસ્ટ શ્રેણી વર્ષ 2000 માં ભારત સામે રમી હતી, જ્યારે શ્રેણીમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ હતી. ત્યારબાદ ભારતે 1-0થી જીત મેળવી હતી. બાંગ્લાદેશે પ્રથમ વખત 2005માં ઝિમ્બાબ્વેને 2 ટેસ્ટ મેચમાં 1-0થી હરાવીને ટેસ્ટ શ્રેણી જીતી હતી.
આ પછી બાંગ્લાદેશે 2009માં વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવીને તેની પ્રથમ મોટી ટેસ્ટ શ્રેણી જીતી હતી. આ પછી બાંગ્લાદેશે 2018-19માં એકવાર વેસ્ટ ઈન્ડિઝને 2-0થી હરાવ્યું હતું. બાંગ્લાદેશે તેની ટેસ્ટ શ્રેણી અભિયાનમાં ન્યૂઝીલેન્ડ 2023માં ટેસ્ટ શ્રેણી પણ ડ્રો કરી હતી.