એક રાતમાં 107 એર સ્ટ્રાઈક વધુ 300 લોકોના મોત થયા
ઇઝરાયલે ગુરુવારની રાત્રે ગાઝા પટ્ટીમાં વિવિધ શહેરો પર સો કરતાં વધારે એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં વધુ 300 નાગરિકોના મૃત્યુ થયા હતા. ઇઝરાયલે તમામ આંતરરાષ્ટ્રીય કાયદાઓને નેવી મૂકી અને નાગરિકવિસ્તારો ઉપર આડેધડ બોમ્બ ઝીંક્યા હતા. ખાન યુનીસ શહેરમાં પાંચ મકાનો જમીનદોસ્ત થઈ જતા એક જ પરિવારના આઠ સભ્યો સહિત 21 લોકોના મૃત્યુ થયા હતા અને 79 લોકોને ઇજા પહોંચી હતી. નુર શક્સ રેફ્યુજી કેમ્પસ ઉપર પણ ઇઝરાયલે બોમ્બ વર્ષા કરી હતી અને તેમાં પાંચ બાળકો સહિત 13 નિર્દોષ નાગરિકો માર્યા ગયા હતા. ગાઝાના આલ જાયટોન અને આલ સુજાયા ઉપર ખાબકેલા બોમ્બને કારણે અનેક મકાનો ધરાશયી થઈ ગયા હતા. મકાનોના કાટમાળ હેઠળ અનેક મૃતદેહો પડ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
જાનહાનિના આંકડા ધ્રુજાવી દે તેવા
ઇઝરાયેલ: મૃત્યુ 1403
સૈનિકો :304
ઘાયલ :4,632
ગાઝા: મૃત્યુ 3900,
બાળકો 1524
મહિલાઓ 1444
ઘાયલ 12,517
વેસ્ટ બેંક: મૃત્યુ 81
ઘાયલ: 1308
ગાઝાના 30 ટકા મકાનો સદંતર નષ્ટ
5,27,588 લોકો બેઘર થતાં વિસ્થાપિત
સૌથી પ્રાચીન ચર્ચ અને મસ્જિદ ધ્વસ્ત ચર્ચ પરના હુમલામાં18 ખ્રિસ્તી માર્યા ગયા
ઇઝરાયલે ગુરુવારે રાત્રે પેલેસ્ટાઇનના સૌથી પ્રાચીન ગ્રીક ઓર્થોડોક્સ ચર્ચ ઉપર બોમ્બ ઝીંકતા 18 ક્રિશ્ચિયન નાગરિકો માર્યા ગયા હતા. ખ્રિસ્તી સંત પોર્ફીરીયસની સ્મૃતિમાં 1150 માં બનેલું આ ચર્ચ પેલેસ્ટાઇનમાં ધાર્મિક એકતાનું પ્રતીક બની રહ્યું હતું. લડાઈ શરૂ થયા પછી ચર્ચમાં અનેક ખિસ્તી નાગરિકો શરણાર્થી તરીકે વસ્યા હતા. ગાઝાના સરકારી વર્તુળોએ ચર્ચના કાટમાળ હેઠળ હજુ પણ વધુ લોકો દટાયા હોવા નો ભય વ્યક્ત કર્યો હતો.એ જ રીતે ઈઝરાયેલી વાયુ સેનાએ પેલેસ્ટાઇનની ત્રીજા નંબરની સૌથી મોટી આલ ઓમારી મસ્જિદનો પણ નાશ કર્યો હતો. સાતમી સદીમાં બનેલી આ મસ્જિદ ઉપર હુમલો થતાં મુસ્લિમ વિશ્વમાં ભારે રોશની લાગણી ફેલાઈ હતી.
લેબેનોન સરહદે ભીષણ જંગ
છેલ્લા 24 કલાક દરમિયાન ગાઝા તરફથી ઇઝરાયેલના સેડરોટ, મેકલસીમ અને કીરીયાત શોમન નગરો ઉપર 100 કરતાં વધારે રોકેટ ફેંકવામાં આવ્યા હતા. ઇઝરાયેલી દળોએ 20,000 ની વસ્તી ધરાવતા કિરીયાત શોમાન નગરને ખાલી કરાવી દીધું હતું. બીજી તરફ લેબેનોન તરફથી ઇઝરાયેલ પર સતત રોકેટ અને મિસાઈલ મારો ચાલુ રહ્યો હતો. વળતા પગલા તરીકે ઇઝરાયલે લેબેનોનમાં ઘુસીને સંખ્યાબંધ એર સ્ટ્રાઈક કરી હતી. ઇઝરાયલ ના માંગલિયોન નગર ઉપર લેબેનોને તોપગોળા વડે આક્રમણ કર્યું હતું. એ દરમિયાન હેઝબોલ્લાહ ના અનેક બંદૂકધારી લડાકુઓ ઇઝરાયેલમાં ઘૂસી ગયા હોવાની ભીતિ વ્યક્ત થઇ રહી છે. લેબેનોન તરફથી થયેલા આ હુમલા ને પગલે સરહદ નજીકના ગામડાઓમાં લોકોને બોમ્બ શેલ્ટરમાં ચાલ્યા જવાની સૂચના આપવામાં આવી હતી. લેબેનોના હુમલાને કારણે ઈઝરાયેલમાં સૈનિકો અને નાગરિકોના મૃત્યુ થયા હોવાનો હેઝબોલ્લાહએ દાવો કર્યો હતો.
ઈરાકમાં અમેરિકી થાણા પર હુમલા
છેલ્લા 48 કલાક દરમિયાન યમનના હાઉથી આતંકવાદીઓ દ્વારા ઈરાક ખાતેના અમેરિકન લશ્કરી થાણા ઉપર સાત હુમલા કરાયા હોવાનું જાણવા મળે છે. બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ઇરાકમાં વિક્ટરી બેઝ કોમ્પ્લેક્સ ખાતેના અમેરિકન લશ્કરી થાણાઓ ઉપર હુમલા થયાનું અને તેમાં કેટલાક સૈનિકોને સામાન્ય ઈજા થયો હોવાનું જાહેર થયું હતું.
ઇરાકનું ખતરનાક આતંકવાદી સંગઠન હાઉથી પણ હવે ઝંપલાવી રહ્યું હોય તેવા નિર્દેશ મળી રહ્યા છે. ગુરુવારે એ આતંકવાદી સંગઠને ઇઝરાયેલ તરફ છોડેલ ત્રણ મિસાઈલને રેડ સી માં તેનાત અમેરિકન યુદ્ધ જહાજે રસ્તામાં જ આંતરી લેતા મોટું નુકસાન અટક્યું હતું.
