રાજકોટમાં પરિણીતાને સાસરિયાનો ત્રાસ : પ્રેગ્નેન્સી ન રહેતાં પતિ, સાસુ-સસરાએ ‘ઘાયલ’ મહિલાને ઢોરમાર માર્યો
રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી પતિ અને સાસરિયાઓ દ્વારા પરિણીતા ઉપર ત્રાસ ગુજારવામાં આવી રહ્યાની ફરિયાદોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે. આવી જ વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં બાળક ન રહેતાં પતિ અને સાસરિયાઓ દ્વારા ઘાયલ પરિણીતાને ઢોર માર મારવામાં આવ્યો હતો.
આ અંગે મોરબી રોડ પર સેટેલાઈટ ચોકમાં રહેતી 40 વર્ષીય પરિણીતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ રવિ રંગાણી, સાસુ મંજુ અને સસરા વેલજી તેમજ દીયર સાગર સહિતના દ્વારા અમાનુષી ત્રાસ ગુજારવામાં આવી રહ્યો હતો. પરિણીતાના લગ્નને નવ મહિના થયા છે પરંતુ છેલ્લા સાતેક મહિનાથી સાસરિયાઓ દ્વારા શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો હતો. આ ત્રાસ આપવા પાછળ પરિણીતાને પ્રેગ્નેન્સી ન રહેતી હોવાનું કારણ જવાબદાર હતું.
સાસરિયાઓના વારંવાર ત્રાસથી કંટાળી ગત 22 માર્ચે સવારે 10:30 વાગ્યે સેટેલાઈટ ચોક પાસે આવેલી યોગી સોસાયટીની બાજુમાં આવેલા એક કૂવામાં પરિણીતા કૂદી ગઈ હતી જેના કારણે તેને પગમાં ફ્રેક્ચર અને કમરમાં ઈજા પહોંચતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ પછી 15 એપ્રિલે તેને હોસ્પિટલમાંથી રજા મળતાં તેના ભાઈ અને બહેન ખબર-અંતર પૂછવા આવ્યા હતા જે સાસરિયાઓને ગમતાં ફરી ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. આ પછી 19 એપ્રિલે પરિણીતાના ભાઈ સહિતના તેને તેડી ગયા બાદ આખરે સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.