દિલ્હીમાં સરકાર 65 રૂપિયે કિલો ટમેટાં વેચાવી રહી છે
આકાશને આંબી રહેલા ટમેટાંના ભાવને લીધે લોકોમાં દેકારો બોલી ગયો છે ત્યારે કેન્દ્ર સરકારે રાહત આપવા માટે સસ્તા ભાવે દિલ્હી અને એનસીઆરમાં ટમેટાં વેચવાની સોમવારે શરૂઆત કરાવી હતી. દિલ્હીમાં અત્યારે રૂપિયા 120 ના કિલો ટમેટાનો ભાવ બોલાઈ રહ્યો છે ત્યારે સરકાર 65 રૂપિયે કિલો ટમેટાં વેચાવી રહી છે.
કેન્દ્રીય ગ્રાહક બાબતોના સચિવ નિધિ ખરેએ સોમવારે સંસદ ભવન પાસે લીલીઝંડી આપીને વેચાણ શરૂ કરાવ્યું હતું. નેશનલ કો ઓપરેટિવ ગ્રાહક ફેડરેશન દ્વારા વેચાણ કરાઇ રહ્યું છે. મિનિ ટ્રક અને ટેમ્પો દ્વારા વેચાણ શરૂ કરાયું હતું.
અત્યારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આ સસ્તા ટમેટાં વેચવામાં આવી રહ્યા છે અને ત્યાર બાદ બીજા રાજ્યોમાં પણ આ રીતે સસ્તા ભાવે વેચાણ કરાવાય તેવી શક્યતા છે. સસ્તા ભાવે ટમેટાં વેચવા છતાં સરકારને કોઈ નુકસાની થવાની નથી તેવી ચોખવટ અધિકારીઓએ કરી છે.
સસ્તા ટમેટાં ખરીદવા માટે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને એમને આ મોંઘવારીમાં થોડી રાહત મળી છે. અન્ય શાકભાજીના ભાવ પણ વધેલા જ છે પણ સરકાર અત્યારે તો સસ્તા ટમેટાં જ વેચી રહી છે.