ઈમરજન્સીની યાદમાં 25 જૂને ‘બંધારણ હત્યા દિવસ’ મનાવાશે
ગૃહમંત્રી અમિત શાહે કરી જાહેરાત :
કેન્દ્ર સરકારે આજે દર વરસે ૨૫ જૂનનો દિવસ બંધારણ હત્યા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી છે. 25 જૂન 1975ના રોજ દેશમાં કટોકટી લાગુ કરવામાં આવી હતી અને આ દિવસને અત્યાર સુધી ભાજપ દ્વારા કાળો દિવસ તરીકે મનાવવામાં આવે છે. ગૃહમંત્રી અમિત શાહે એક્સ (ટ્વિટર) પર પોસ્ટ કરેલા જાહેરનામાને શેર કરીને આ માહિતી આપી છે.
અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, – 25 જૂન 1975ના રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ પોતાની સરમુખત્યારશાહી માનસિકતા દર્શાવતા દેશમાં કટોકટી લાગુ કરીને ભારતીય લોકશાહીના આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કારણ વગર જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકારે દર વર્ષે 25 જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. આ દિવસ એ તમામ લોકોના વિરાટ યોગદાનની યાદ અપાવશે, જેમણે 1975ની કટોકટીની અમાનવીય પીડા સહન કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ પણ કહ્યું છે કે જે દિવસે બંધારણની ધજ્જિયા ઉડાવવામાં આવી હતી તે દિવસને યાદ કરવામાં આવશે. આ દિવસ ભારતીય ઇતિહાસનો એક કલંકિત દિવસ હતો.
ભાજપના પ્રમુખ જે.પી.નડાએ આ પ્રકારના નિર્ણય માટે મોદી સરકારનો આભાર માન્યો છે.
કોંગ્રેસનો વિરોધ
કોંગ્રેસે આ નિર્ણયનો વિરોધ કર્યો છે અને કહ્યું છે કે, ૪ જૂનનો દિવસ મોદી મુક્ત દિવસ મનાવવો જોઈએ. જયરામ રમેશે કહ્યું છે કે, દેશમાં ૧૦ વર્ષથી અઘોષિત કટોકટી લાગુ થયેલી છે.