અયોધ્યામાં 2 ચા અને 2 ટોસ્ટના આટલા રૂપીયા વસૂલાયા, જુઓ
ફરિયાદ મળ્યા બાદ તંત્ર દ્વારા રેસ્ટોરન્ટને નોટિસ પાઠવાઈ

અયોધ્યામાં રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઇ ચૂકી છે. તેની સાથે જ રામના નામે લૂંટનો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મલ્ટીલેવલ પાર્કિંગ તૈયાર કરાયું હતું જેના ટોપ ફ્લોર પર એક રેસ્ટોરાં આવેલી છે. જેનું નામ ‘શબરી રસોઈ’ છે. જોકે આ રેસ્ટોરાંમાં મળતી ચા-નાસ્તો કે જમવાની વસ્તુઓનો ભાવ જાણી આંખો પહોળી થઇ જશે.
સોશિયલ મીડિયા પર એક બિલ વાયરલ થઇ રહ્યું છે જેમાં અહીંની ચાની કિંમત 55 રૂપિયા અને ટોસ્ટની કિંમત 65 રૂપિયા જણાવાઈ છે. આ મામલો અયોધ્યાના તંત્રને ધ્યાને આવતા જ રેસ્ટોરાં માલિકને નોટિસ ફટકારી જવાબ માગવામાં આવ્યો હતો.
તાજેતરના મામલામાં મલ્ટીલેવલ પાર્કિંગમાં સંચાલિત આ શબરી રસોઈ નામની રેસ્ટોરાંનું એક બિલ વાયરલ થયું હતું જેમાં 2 ચા અને 2 ટોસ્ટની કિંમત 240 રૂ. વસૂલવામાં આવી હતી. તેના પર અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના ઉપાધ્યક્ષ વિશાલ સિંહે અરુંધતિ ભવનમાં ચાલતી રેસ્ટોરાંના સંચાલકને નોટિસ ફટકારી હતી.