ચંદ્રયાન-3માં અમદાવાદ ઈસરોનું મહત્ત્વનું યોગદાન; લેન્ડિગની એ અંતિમ મિનિટો દેશના ધબકારા વધારશે
ચંદ્રયાન-3માં લગાવેલા લેન્ડર હેઝાર્ડ ડિટેક્શન એન્ડ એવોઈડન્સ કેમેરા અમદાવાદ ઈસરો સેન્ટરમાં તૈયાર કરાયા છે. જે લેન્ડિંગમાં પાયારૂપ ભૂમિકા ભજવશે. આ કેમેરા વિક્રમ લેન્ડરનું ‘હૃદય’ કહેવાય તો ખોટું નથી. આ કેમેરા લેન્ડિંગનો સમગ્ર ડેટા ઈસરોના મેઈન સેન્ટર સુધી પહોંચાડશે. જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતીથી 7.5 કિલોમીટર દૂર હશે ત્યારે ચંદ્રની જમીન પરનો તમામ ડેટા એકત્રિત કરી પૃથ્વી સુધી પહોંચાડશે. આ ડેટા એકત્રિત કરવાની કામગીરી કા બેન્ડ રડાર સિસ્ટમ કરશે.
ચંદ્રયાનના સોફ્ટ લેન્ડિંગ માટે સુર્યોદયનો સમય નક્કી કરાયો છે. 23 ઓગસ્ટે સાંજે 6:04 વાગ્યે ચંદ્રયાન લેન્ડ કરવાનું છે, ત્યારે ચંદ્ર પર સુર્યોદય થાય છે.
લેન્ડરની ઉતરણની સાઈટનું સિલેક્શન પણ અમદાવાદ સેન્ટર દ્વારા કરાયું છે. ચંદ્રયાન-3 મિશનમાં વિક્રમ લેન્ડર ચંદ્રની ધરતી પર ક્યાં ઉતરશે તેની વિવિધ તસવીરો એકત્રિત કરવાનું કાર્ય અને યોગ્ય પોઝિશન નક્કી કરવાનું કાર્ય અમદાવાદ સેક-ઈસરો સેન્ટર દ્વારા કરાયું છે.
ચંદ્રયાન-2માં જે ખામીને કારણે ક્રેશ લેન્ડિંગ થયું તેવું ફરી ન થાય તે માટે ચંદ્રયાન-3 માટે 21 ફેરફારો કરાયા છે. જેમાં હાર્ડવેર, સોફ્ટવેર અને અલ્ગોરિધમ પર મોટું કામ કરાયું છે. ઈસરોએ ક્રેન ટેસ્ટ, ડ્રોન ટેસ્ટ, હેલિકોપ્ટર ટેસ્ટ કર્યા છે. આ સિવાય એન્જિન ફાયરને લઈને પણ ક્રેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
ચંદ્રયાન-3ના સોફ્ટ લેન્ડિંગની એ 17 મિનિટ દેશના ધબકારા વધારી દેશે.