મેસીના કાર્યક્રમમાં હંગામા બાદ: મુખ્ય આયોજકની ધરપકડ, ટિકિટ રિફંડનો આદેશ
કોલકાતાના સોલ્ટલેક સ્ટેડિયમમાં લિયોનેલ મેસીના સન્માન સમારોહ દરમિયાન થયેલી ભારે અવ્યવસ્થા બાદ પોલીસએ મુખ્ય આયોજકની ધરપકડ કરી છે.
મેસીની એક ઝલક માટે ઉમટેલા હજારો ચાહકો આયોજનમાં ગેરવ્યવસ્થા અને મેસીના વહેલા પ્રસ્થાનથી ગુસ્સે ભરાયા હતા, જેના કારણે સ્ટેડિયમમાં તોડફોડ થઈ હતી.
ઘટનાની ગંભીરતા જોતા પોલીસે એરપોર્ટ પરથી આયોજકને ઝડપી લીધો અને સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે આયોજકોને દર્શકોને ટિકિટના રૂપિયા પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ પણ ઘટના માટે જાહેરમાં માફી માંગી હતી અને મિસમેનેજમેન્ટને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું.
DGP રાજીવ કુમારે સ્પષ્ટ કર્યું છે કે, જવાબદાર કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
