હું NDA સાથે જ છુ..બે વાર ભૂલ કરી..હવે ત્રીજી વાર નહી : નીતિશ
તાજેતરમાં આર.જે.ડી.નાં તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરીને રાજકારણમાં ચર્ચા જગાવનાર બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે સ્પષ્ટતા કરી છે કે, મેં બે વખત આર.જે.ડી. સાથે જવાની ભૂલ કરી છે પણ હવે નહી કરીએ.
એક કાર્યક્રમમાં નીતીશકુમારે RJD પર બિહાર માટે કામ નહીં કરવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે અમારાથી બે વાર ભૂલ થઈ હતી. અમે બે વાર એ લોકોનો સાથ આપ્યો અને પછી હટાવી દીધો. હવે અમે ક્યારે અહીં-તહીં નહીં જઈએ.
નીતિશ કુમારે હાલમાં RJD નેતા તેજસ્વી યાદવ સાથે મુલાકાત કરી હતી. એ પછી એવી અટકળો થઈ હતી કે બિહારના રાજકારણમાં ફરી એક વાર નવાજૂની થઈ શકે છે. આ મુલાકાત પણ અચાનક થઈ હતી અને બંને નેતા વચ્ચે લગભગ અડધા કલાક સુધી ચર્ચા થઇ હતી.
હવે નીતિશ કુમારે આ મામલે લાગી રહેલા તમામ કયાસો પર પૂર્ણ વિરામ મૂકવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું કે NDA સાથે હવે અમારું ગઠબંધન સ્વાભાવિક છે અને હવે તે હંમેશાં માટે જળવાઈ રહેશે. ઉલ્લેખનીય છે કે ભાજપના અધ્યક્ષ નડ્ડા પણ શુક્રવારે પટના પહોંચ્યા હતા અને નીતિશ કુમાર સાથે તેમની મુલાકાત થઇ હતી.