રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અન્નક્ષેત્રનું ગેરકાયદેસર વીજ જોડાણ કટ્ટ
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સેવાના નામે ગેરકાયદેસર રીતે ખડકી દેવાયેલા અન્નક્ષેત્રમાં ગેરકાયદેસર વીજ જોડાણ લઈ વીજ વપરાશ કરવામાં આવતો હોવાની ફરિયાદ બાદ સિવિલ સત્તાવાળાઓ દ્વારા એક્સરે વિભાગમાંથી લેવામાં આવેલ ગેરકાયદેસર વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના સમયમાં અહીં ગેરકાયદેસર રીતે વિશાળ બાંધકામ ખડકી દેવામાં આવ્યું હોય ઉચ્ચકક્ષાએ ફરિયાદો પહોંચતા હવે વીજ જોડાણ બાદ આ આખેઆખા ગેરકાયદેસર બાંધકામનો કડૂસલો બોલાવવા તૈયારીઓ શરૂ થઇ હોવાનું પણ જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટની સિવિલ હોસ્પિટલને પૂર્વજોની મિલ્કત સમજી સેવાના નામે મેવા કમાવા માટે અહીં કહેવાતી સેવાભાવી સંસ્થાઓએ બબ્બે સ્થળોએ અન્નક્ષેત્રના નામે કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર ઘૂસણખોરી કરી બાંધકામ ઉભા કરી લીધા છે ત્યારે આ અન્નક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે હોસ્પિટલમાંથી જ વીજ જોડાણ લેવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉચ્ચકક્ષાએ જતા નાયબ કાર્યપાલક ઈજનેર પીઆઈયુ દ્વારા અન્નક્ષેત્રમાં તપાસ કરવામાં આવતા એક્સ-રે વિભાગમાંથી વીજ જોડાણ લઈ વીજ વપરાશ કરવામાં આવતો હોવાનું સામે આવતા તાત્કાલિક અસરથી વીજ જોડાણ કટ્ટ કરી નાખવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિને બેથી ત્રણ લાખ રૂપિયાનું પાણી વેચાતું લેવામાં આવી રહ્યું છે ત્યારે લોકોની સેવાને નામે શરૂ કરવામાં આવેલા અન્નક્ષેત્રમાં મોટા પ્રમાણમાં પાણીનો બગાડ કરવામાં આવતો હોવાની પણ ફરિયાદ ઉઠતા હોસ્પિટલ સતવાળાઓ દ્વારા આગામી દિવસોમાં ગેરકાયદેસર વીજ જોડાણની જેમ જ પાણીનું કનેક્શન પણ કટ્ટ્ કરી નાખી ગેરકાયદેસર બાંધકામનો સફાયો કરવા પણ તખ્તો ઘડી કાઢવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.
આખેઆખું ગેરકાયદેસર બાંધકામ થયું છતાં સિક્યોરિટી એજન્સી ઊંઘતી રહી
સિવિલ હોસ્પિટલમાં ગેરકાયદેસર દબાણ અને બાંધકામ મામલે સિક્યોરિટી એજન્સી તપાસના રડારમાં આવી ગઈ છે. સામાન્ય સંજોગોમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ ઉપર જોહુકમી ચલાવી વાહનોને પણ પ્રવેશવા ન દેતી સિક્યોરિટી એજન્સી આ ગેરકાયદેસર બાંધકામ શરૂ થયા ત્યારથી લઈ પૂર્ણ થયા ત્યાં સુધી એક પણ વખત હોસ્પિટલના સત્તાધીશોની ગેરકાયદેસર બાંધકામ અંગે રિપોર્ટ કર્યો ન હોવાનું સામે આવતા હવે સિક્યોરિટી એજન્સી સામે પણ તપાસ શરૂ કરવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.