મહાકુંભથી ફેમસ થયેલા IIT બાબાની પોલીસે કરી અટકાયત : હોટલમાં ગાંજો પીને આપી હતી જીવન ટૂંકાવવાની ધમકી
સોશિયલ મીડિયા પર IIT બાબાના નામે પ્રખ્યાત અભય સિંહની જયપુર પોલીસે અટકાયત કરી છે. અભય સિંહે સોશિયલ મીડિયા પર આપઘાત કરવાની ધમકી આપી હતી, ત્યારબાદ શિપ્રા પથ પોલીસે રિદ્ધિ સિદ્ધિ પાર્ક ક્લાસિક હોટેલ પહોંચી IIT બાબાની અટકાયત કરી લીધી છે.
જ્યારે પોલીસે અભય સિંહને આ વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે ગાંજાનો નશો કરી રહ્યો હતો. નશામાં હોય ત્યારે તેણે શું કહ્યું તે તેને ખબર નથી. અભય સિંહે પોલીસને તેની પાસે રહેલો ગાંજા પણ બતાવ્યો, જે પોલીસે જપ્ત કર્યો હતો અને તેની સામે NDPS એક્ટ (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસને માહિતી મળી હતી કે હોટેલ પાર્ક ક્લાસિકમાં રહેતો અભય સિંહ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. જ્યારે આ અંગે IIT બાબાની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે પોતાના ગાંજાના પેકેટ કાઢ્યા અને પોલીસને બતાવ્યા.
તેણે કહ્યું, ‘હું ગાંજાના નશામાં હતો.’ જો મેં કંઈ કહ્યું હોય તો મને તેની ખબર નથી. તેની પાસેથી મળેલા ગાંજાના જથ્થાનું વજન ૧.૫૦ ગ્રામ હતું, જેને પોલીસે NDPS એક્ટ હેઠળ જપ્ત કર્યું છે. ગાંજાની માત્રા ઓછી હોવાથી, તેને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો. પોલીસે ગાંજો જપ્ત કર્યો છે અને IIT બાબા વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
IIT બાબાએ કરી સ્પષ્ટતા
જોકે, આ મામલે IIT બાબાએ આપઘાતવાળી વાતને ફેક ન્યૂઝ જણાવી છે. તેમણે કહ્યું કે, ગાંજાને લઈને ફરિયાદ નોંધવામાં આવી હતી અને જામીન પર છોડી દેવામાં આવ્યો છે. મને તુરંત જામીન મળી ગઈ છે અને આપઘાત મામલે મેં ફક્ત એટલું લખ્યું હતું કે, હું સંસારમાં ફક્ત મહાદેવને પ્રેમ કરૂ છું, બીજું કોઈ નથી મારા જીવનમાં.’