‘તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ’, રાજકોટમાં 21 વર્ષનો યુવક 11 વર્ષની બાળકીને ભગાડી ગયો
રાજકોટના કોઠારિયા મેઈન રોડ ઉપર અત્યંત ચકચારી બનાવ બની જવા પામ્યો હતો જ્યાં 21 વર્ષનો યુવક 11 વર્ષની બાળકીને `તું મારી સાથે વાત નહીં કરે તો હું મરી જઈશ’ની ધમકી આપી ભગાડી જતાં પોલીસે તાત્કાલિક બન્નેને શોધી કાઢી યુવકની ધરપકડ કરી હતી.
આ અંગે બાળકીના પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેમના પાડોશમાં જ રહેતો પ્રતાપ ગોપાલભાઈ સોલંકી (ઉ.વ.21) છેલ્લા ઘણા સમયથી તેમની 11 વર્ષની બાળકીને હેરાન કરી રહ્યો હતો. જો કે બાળકી હજુ અણસમજુ હોય કશું સમજી શકતી ન્હોતી. આટલું ઓછું હોય તેમ પ્રતાપે બાળકીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. દરમિયાન શનિવારે રાત્રે 2ઃ30 વાગ્યે બાળકી અમારાથી દૂર સૂતી હતી ત્યારે પ્રતાપ ઘેર ધસી આવ્યો હતો અને બાળકીને જગાડીને `જો તું મારી સાથે વાત નહીં કરે અને મારી સાથે નહીં આવે તો હું મરી જઈશ’ તેવી ધમકી આપતાં બાળકી ગભરાઈ ગઈ હતી અને પ્રતાપ સાથે નીકળી ગઈ હતી.
આ ઘટના બન્યાની થોડી જ વારમાં બાળકીના પિતા જાગી જતાં બાળકી ક્યાંય જોવા મળી ન્હોતી. પહેલાં તો ઘરમાં આમતેમ શોધી હતી આમ છતાં બાળકી ન મળતાં કંઈક અજુગતું જણાતાં તુરંત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક બન્નેની શોધખોળ શરૂ કરી દેતાં પ્રતાપ અને બાળકી બહુ દૂર નીકળે તે પહેલાં જ દબોચી લઈ પ્રતાપને આગવી ઢબે કાયદાનું ભાન કરાવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યા પ્રમાણે બાળકીના પિતા અને આરોપી પ્રતાપ બન્ને મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે.