અમારા બંનેની વચ્ચે આવીશ તો…પરપૂરૂષ સાથે વાત કરવાની ના કહેતા પુત્રવધુએ સાસૂને પાટીયાથી ફટકાર્યા,રાજકોટની ઘટના
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા વાજડીગામે વહુએ સાસુને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. પુત્રવધૂને અન્ય યુવક સાથે બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલી પુત્રવધૂએ પોતાની સગી સાસુ પર લાકડાના પાટીયુ માથામાં ઝીંકી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, વાજડી ગામમાં વિવિપી એન્જિનિયિંરગ કોલેજ પાસે રહેતા અને મેટોડા જીઆઈડીસીમાં મજુરી કામ કરતા 50 વર્ષીય અમૃતાબેન ભલાભાઈ વાળાએ પોતાની પુત્રવધૂ કાજલ રવિ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસ મથકમાં જણાવ્યું હતું કે, ગત તા. 23/12/2025 ના સવારે અમૃતાબેન કામ પર જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમને તેમની પુત્રવધૂ કાજલ સામી મળી હતી. અમૃતાબેને પુત્રવધૂને ‘તું રાજુ સાથે કેમ બોલે છે?’ તેમ પૂછતા કાજલ ઉશ્કેરાઈ ગઈ હતી અને “હું તો રાજુ સાથે બોલીશ જ.” તેવો વળતો જવાબ આપ્યો હતો.
આ વાતની લઈને જાહેરમાં સાસુ-વહુ વચ્ચે રકઝક થઈ હતી જેમાં કાજલે અચાનક ઉશ્કેરાઈને અમૃતાબેનને ગાળો ભાંડી નજીકમાં પડેલા લાકડાના ઢગલામાંથી એક પાટીયું ઉપાડી સાસુના માથામાં ફટકારી દીધું હતું. હુમલા બાદ અમૃતાબેને બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકો ભેગા થતા કાજલબેને ધમકી આપી હતી કે, `જો તું અમારા બંનેની વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ.” રાહદારીઓએ 108 મારફતે ઇજાગ્રસ્ત અમૃતાબેનને હોસ્પિટલ ખસેડ્યા હતા.જ્યાં માથાના ભાગે મુંઢ ઇજા માટે સારવાર આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, કાજલને રાજુ નામના વ્યક્તિ સાથે મિત્રતા હોય, જે સાસુને પસંદ નહોતું. આ બાબતે સમજાવવા જતાં પુત્રવધૂએ હુમલો કર્યો હતો.બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
