જો તમને પણ આવો મેસેજ આવે તો ચેતજો !! રાજકોટ મનપામાં કોન્ટ્રાક્ટ બેઈઝ નોકરીના બહાને છેતરપિંડીનું કારસ્તાન
મહાપાલિકામાં કોન્ટ્રાક્ટ બેઈઝ નોકરીના બહાને છેતરપિંડીનું કારસ્તાન
રાજકોટ મહાપાલિકામાં અત્યારે કરાર આધારિત મતલબ કે કોન્ટ્રાક્ટબેઈઝ અનેક કર્મચારીઓ કાર્યરત છે. અલગ-અલગ વિભાગમાં કર્મીઓની જરૂર પડે એટલે મહાપાલિકા દ્વારા જ એજન્સી મારફતે ઈચ્છુક કર્મચારીઓને 11 મહિનાના કરારથી નોકરી પર રાખવામાં આવે છે. આ વાતનો લાભ લઈ છેતરપિંડી આચરવાનું કારસ્તાન ચાલી રહ્યાનું સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક મેસેજ પરથી લાગી રહ્યું છે. જો કે તંત્ર દ્વારા આવી કોઈ જ ભરતી બહાર પાડવામાં આવી ન હોવાથી મેસેજ ઉપર વિશ્વાસ કરી પૈસાની લેતીદેતી નહીં કરવાની અપીલ પણ કરવામાં આવી છે.
ડેટા એન્ટ્રી કરવાના બદલામાં 12 હજારથી 22,000 સુધીના પગારની અપાતી લાલચ
સોશ્યલ મીડિયા પર અત્યારે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં એવું લખાણ લખવામાં આવ્યું છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મહિલા ઉમેદવારોની પાંચ વર્ષના કરાર આધારિત ભરતી કરવામાં આવનાર છે. મહિલાએ ફાઈલ અને બિલની ડેટા એન્ટ્રી કરવાની રહેશે અને તેના બદલામાં 12 હજારથી 22,000 સુધીનો પગાર ચૂકવવામાં આવશે તેવું જણાવાયું છે.

પાંચ વર્ષ સુધી નોકરી અપાશે તેવા મેસેજ સોશ્યલ મીડિયા પર વાયરલ
જો કે મહાપાલિકામાં તપાસ કરવામાં આવતાં અત્યારે આ પ્રકારે કોઈ જ ભરતી કરવામાં આવી રહી ન હોવાનું જાણવા મળી રહ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે ઉપરોક્ત વાયરલ મેસેજમાં મહિલા કર્મચારીઓને કયા વિભાગમાં ડેટા એન્ટ્રી ઓપરેટર માટે રાખવામાં આવશે તેની ચોખવટ કરવામાં આવી નથી સાથે સાથે કોઈ પ્રકારનો સંપર્ક નંબર પણ આપવામાં આવ્યો ન હોય આ છેતરપિંડીનું કારસ્તાન હોવાનું લાગ્યા વગર રહેતું નથી. ટૂંક સમયમાં જ મહાપાલિકા દ્વારા આ દિશામાં કાર્યવાહી કરી પોલીસ ફરિયાદ કરવા સહિતનાં પગલાં લેવાય તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.