જો યુધ્ધ વિસ્તરે તો શું માઠી અસર કોને કોને થઈ શકે છે ? વાંચો
ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ભારે તંગદિલી છે, લડાઈ થઈ રહી છે. બંને બાજુ અક્કડ વલણ રાખવામાં આવ્યું છે ત્યારે નિષ્ણાતોએ ભારે ચિંતા વ્યક્ત કરીને કહ્યું છે કે દુનિયાના બે ભાગમાં ચાલી રહેલું યુધ્ધ ત્રીજા વિશ્વ યુધ્ધમાં ફેરવાઇ ના જાય તો સારું.. જો આમ થશે તો આર્થિક રીતે વિશ્વના અનેક દેશ ભારે મુસીબતમાં આવશે.
એમણે એમ પણ કહ્યું છે કે જો લડાઈ વિસ્તરે તો આમ આદમી માટે માઠા દિવસો આવી શકે છે કારણ કે અનાજથી લઈને તેલ સહિતની બધી જ ચીજોના ભાવ અને તેના પુરવઠા પર મોટી અસર થશે અને ગરીબોનું જીવન તો સાવ નષ્ટ થઈ જવાનો ખતરો રહેલો છે.
નોકરીઓ ઘટી જશે
ભારત પર પણ તેની અસર પડી શકે છે. જો કે સરકાર આ સંકટ સામે એલર્ટ છે અને અનેક મોરચે તૈયારી કરી રહી છે. દેશના મોટા અર્થશાસ્ત્રીઓએ એમ કહ્યું છે કે અત્યારની સ્થિતિ જોઈને અનિશ્ચિતતા વધી ગઈ છે. જો યુધ્ધ વિસ્તરે છે તો ભારતની પણ મુસીબત વધી શકે છે. મોંઘવારી વધશે. પરિવહન ખર્ચ વધી જશે. નોકરીઓ ઓછી થવા લાગશે.
આમ થવાથી દેશના સંગઠિત ક્ષેત્રને ખૂબ જ વિપરીત અસર થઈ શકે છે. કંપનીઓ છટણી પણ કરી શકે છે પરિણામે દેશમાં અને અન્ય દેશોમાં બેરોજગારી વધી શકે છે. દેશમાં પણ આવું બની શકે છે.
નોકરિયાત વર્ગને પણ ઝટકો
જો યુધ્ધ લાંબુ ચાલે અને તેમાં બીજા દેશો પણ જોડાઈ જાય તો ભારે મોટી ઉપાધિ થવાની સંભાવના છે. કારણ કે નોકરિયાત વર્ગ પર પણ તેની અસર થઈ શકે છે અને એમના પગાર વધારા અને પ્રમોશન અટકી શકે છે. સમાજના દરેક વર્ગને આ અસરનો સામનો કરવો પડશે.
ક્રૂડ વધે તો મુસીબત
નિષ્ણાતો દ્વારા એવી ચિંતા પણ વ્યક્ત કરાઇ છે કે જો ક્રૂડના ભાવમાં ઉછાળો આવશે તો દરેક દેશમાં મોંઘવારી વધી શકે છે અને આમ આદમીનું જીવન વધુ મુશ્કેલ બની શકે છે. પરિવહન ખર્ચ વધી જશે અને મોંઘવારી મોઢું ફાડશે.
