કોંગ્રેસની સરકાર આવશે તો યુવા બેરોજગારો માટે આટલા કરોડનું ફંડ
ગુજરાતમાં ભારત જોડો યાત્રા લઈને આવેલા રાહુલ ગાંધીની ગેરેંટી :રાજીનામાની હારમાળા વચ્ચે કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવાનો પ્રયાસ
ગોધરા, હાલોલ અને જાંબુઘોડામાં રાહુલ ગાંધીને જોવા મોટી ભીડ ઉમટી
જિલ્લા અને તાલુકા કક્ષાએથી ફંડનું મેનેજમેન્ટ થશે અને ખેડૂત તથા શ્રમિકોના સંતાનોને સ્ટાર્ટઅપ માટે અપાશે
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ એક્ટીવ થઈ ગઈ છે ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પણ ગુજરાતમાં આગમન થઈ ગયું છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રચારનું રણશિંગું ફૂંકી દીધું છે અને પ્રજાને વચનો પણ આપ્યા છે. આજે ગોધરામાં ભારત જોડો યાત્રા નિહાળવા માટે ઉમટી પડેલી જંગી મેદનીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બેરોજગાર યુવાનો માટે કોંગ્રેસ સરકાર ૫૦૦૦ કરોડનું ફંડ અલગ રાખશે અને તેનો ઉપયોગ તાલુકા અને જિલ્લા કક્ષાએ થશે. આ રકમમાંથી ખેડૂત અને શ્રમિકોના સંતાનોને સ્ટાર્ટઅપ શરુ કરવાની સહાય અપાશે.
રાહુલ ગાંધી ગુજરાતયાત્રાનો રૂટ જોતા આદિવાસી મતદાતાઓ સુધી પહોંચવાની રાજકીય યોજના ઊડીને આંખે વળગે છે. એક સમયે આ વિસ્તારો કૉંગ્રેસ પાર્ટીનો ગઢ રહ્યા હતા, પરંતુ બદલાતા જતાં રાજકીય, ધાર્મિક અને સામાજિક કારણોસર પાર્ટીને માટે આ ગઢ જાળવી રાખવાના પડકાર ઊભા થયા છે.
ગોધરા ખાતે યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, મોદી સરકારે તેના અબજોપતિ મિત્રોના ૧૬ લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા છે અને નાના નાના માણસો માટે બેન્કના દરવાજા બંધ કરી દીધા છે. આ ઉપરાંત સરકારે જવાનોના પેન્શન બંધ કરી દીધા છે અને અદાણીને હથિયાર વેંચવાના કોન્ટ્રાક્ટ આપ્યા છે. તેમણે જો કોંગ્રેસની સરકાર આવશે તો પેપર લીક કરનાર સામે કડક કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું. હાલોલ, જાંબુઘોડા અને બોડેલી પણ ગયા હતા. તા. ૯મીએ સવારે તેઓ બોડેલીથી નસવાડી, રાજપીપળા, નેત્રંગ અને તા. ૧૦મીએ માંડવી, બારડોલી, વ્યારા અને સોનગઢ પણ જશે.
રાહુલ ગાંધી આ યાત્રા દરમિયાન છ જાહેર સભાઓ અને 27 શેરી સભાઓને સંબોધિત કરશે, જેની સાથે સમર્થકો 70 થી વધુ સ્થળોએ તેમનું સ્વાગત કરશે.આ યાત્રામાં શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના નેતાઓ જોડાયા હતા.