નહેરુ સોમનાથ ગયા નહતા તો કોંગી નેતાઓ અયોધ્યા ક્યાંથી આવશે ?
કર્ણાટક ભાજપના નેતા સી. ટી રવિનો પ્રહાર, કોંગ્રેસ હિન્દુધર્મવીરોધી છે
ભાજપે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના આમંત્રણને નકારવા બદલ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. ભાજપનું કહેવું છે કે કોંગ્રેસે તુષ્ટિકરણ માટે આમંત્રણ નકારી કાઢ્યું છે. જવાહર લાલ નહેરુની કોંગ્રેસ હિન્દુ ધર્મ વિરોધી છે. સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ થયું ત્યારે પણ તત્કાલીન વડાપ્રધાન નેહરુ સોમનાથ નહોતા ગયા.
કર્ણાટક ભાજપ નેતા સી.ટી. રવિએ કોંગ્રેસના આ નિર્ણયથી આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું છે કે ‘કોંગ્રેસે હંમેશા હિન્દુત્વનો વિરોધ કર્યો છે. સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ સરદાર વલ્લભભાઇ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ અને કનૈયાલાલ મુનશીએ કરાવ્યું હતું. તે સમયે જવાહરલાલ નેહરુ વડાપ્રધાન હતા. તેઓ સોમનાથ ન ગયા તો કોંગ્રેસનું વર્તમાન નેતૃત્વ અયોધ્યા કેવી રીતે જઈ શકે?
આ નેહરુની કોંગ્રેસ છે ગાંધીની નહીં. મહાત્મા ગાંધી રઘુપતિ રાઘવ રાજા રામ ગાતા હતા અને આજે કોંગ્રેસ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં સામેલ નથી થતી. આ વાત સાબિત કરે છે કે કોંગ્રેસ હિન્દુ ધર્મ અને હિન્દુત્વની વિરુદ્ધ છે.”
કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, ‘તુષ્ટિકરણ માટે કોંગ્રેસ પાર્ટી સતત હિન્દુ માન્યતાઓનો વિરોધ કરી રહી છે. છેલ્લા બે-ચાર દાયકામાં જ્યારે પણ રામ મંદિરનો મુદ્દો ઉઠ્યો, ત્યારે તેમણે વિરોધ જ કર્યો છે. તેઓ તો એવું કહેતા કે ભગવાન રામ એક કાલ્પનિક વ્યક્તિ હતા. તેમણે રામ સેતુ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. વર્તમાન કોંગ્રેસ પાર્ટી તુષ્ટિકરણના શિખરે પહોંચી ગઈ છે. મને તેમના આ નિર્ણયથી આશ્ચર્ય નથી થયું.’
