સત્તામાં આવ્યો તો મુસ્લિમ દેશોના કેટલાક લોકોના અમેરિકા પ્રવેશ પર પ્રતિબંધ મુકીશ
ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત, ઇઝરાયલને સમર્થન, બાયડનની આકરી ટીકા
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એલાન કર્યુ છે કે, હું જો ફરી સત્તા પર આવ્યો તો કેટલાક મુસ્લિમ દેશોના લોકો પર અમેરિકામાં પ્રવેશવા પર પ્રતિબંધ લગાવીશ. ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિપડની ચુંટણીમાં ઊમેદવારી કરવાના છે. એમણે ફરી ચર્ચા જગાવી દીધી છે.
રિપબ્લિકન જ્યુઈશ કોએલિએશનના કાર્યક્રમમાં હાજર રહેલા ટ્રમ્પે કહ્યુ હતુ કે, અમારી સરકારે જે પ્રતિબંધ લગાવ્યા હતા તે તો તમને યાદ છે ને? તેનુ કારણ એ હતુ કે, મારી સરકાર નહોતી ઈચ્છતી કે અમેરિકામાં એવા લોકો આવે જે નુકસાન પહોંચાડવાની વિચારધારાને પસંદ કરતા હોય. એક દિવસ હું આ પ્રતિબંધને ફરી લાગુ કરીશ.
ટ્રમ્પે આગળ કહ્યુ હતુ કે, મારી સરકારના કાર્યકાળમાં ચાર વર્ષ દરમિયાન દેશમાં એક પણ ખરાબ ઘટના બની નહોતી. કારણકે ખરાબ લોકોને દેશની બહાર રાખ્યા હતા. જે દેશમાં હતા તેમને કાઢી મુકયા હતા.
ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે 2017માં રાષ્ટ્રપતિ બન્યા બાદ ઈરાન, લિબિયા, સોમાલિયા, સિરિયા, યમન, ઈરાક તેમજ સુડાના લોકોને અમેરિકામાં પ્રવેશવા પર બેન મુકયો હતો.