ICC T20 Rankings : અર્શદીપ સિંહની પ્રથમ વખત ટોપ-10માં એન્ટ્રી, હાર્દિક પંડ્યાને પણ થયો બમ્પર ફાયદો
ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં શાનદાર શરૂઆત કરવા બદલ મોટું ઈનામ મળ્યું છે. ભારતીય ફાસ્ટ બોલર તેની કારકિર્દીમાં પ્રથમ વખત ICC T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રેન્કિંગના ટોપ 10માં પ્રવેશ્યો છે. બુધવાર, 09 ઓક્ટોબરના રોજ અપડેટ કરાયેલા બોલિંગ ચાર્ટમાં અર્શદીપ 16માથી 8મા સ્થાને પહોંચી ગયો છે.
અર્શદીપ સિંહનું અગાઉ બેસ્ટ રેન્કિંગમાં 13મું હતું, પરંતુ રવિવારે ગ્વાલિયરમાં શાનદાર પ્રદર્શનને કારણે તેને T20 બોલિંગ ચાર્ટમાં તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ હાંસલ કરવામાં મદદ મળી છે. પુરુષ બોલરોની ICC T20 રેન્કિંગમાં ટોચના 10માં અર્શદીપ એકમાત્ર ભારતીય છે. ઈંગ્લેન્ડનો આદિલ રાશિદ ટોપ પર છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝનો અકીલ હુસૈન બીજા ક્રમે છે. ગ્વાલિયરમાં પ્રથમ ટી-20 મેચ માટે પસંદ ન થયેલા રવિ બિશ્નોઈ તાજેતરની રેન્કિંગમાં એક સ્થાન સરકીને 12મા સ્થાને પહોંચી ગયા છે.
હાર્દિક પંડ્યાને મોટો ફાયદો થયો
દરમિયાન, હાર્દિક પંડ્યા ચાર સ્થાન ચઢીને પુરુષોના ઓલરાઉન્ડરોની ICC T20I રેન્કિંગમાં ટોપ 3માં પાછો ફર્યો છે. ઈંગ્લેન્ડનો લિયામ લિવિંગસ્ટોન 253 રેટિંગ પોઈન્ટ સાથે ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર છે. જૂનમાં ભારતની T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર ચાર્ટમાં નંબર 1 પર હતો. નેપાળના દીપેન્દ્ર સિંહ એરી બીજા સ્થાને છે.
અર્શદીપ સિંહે શાનદાર પ્રદર્શન કર્યું
બાંગ્લાદેશ સામે ભારતની સાત વિકેટની જીતમાં અર્શદીપ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ડાબા હાથના ફાસ્ટ બોલરે 3.5 ઓવરમાં માત્ર 14 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. પંજાબ કિંગ્સ સ્ટારે રવિવારે લિટન દાસ અને પરવેઝ ઈમોનની વિકેટ લઈને બાંગ્લાદેશની શરૂઆત બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો.
