ઈભલા ગેંગ સુધરતી જ નથી : સ્કૂટર અથડાવા મુદ્દે યુવક પર છરીથી તૂટી પડી,રાજકોટ પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
રાજકોટનો હિસ્ટ્રિશીટર ઈબ્રાહિમ ઉર્ફે ઈભલો કે જે અનેકવાર પાસામાં ધકેલાઈ ચૂક્યો છે આમ છતાં સુધરવાનું નામ લઈ રહ્યો ન હોય હવે તો તેણે ગેંગ પણ બનાવી લઈ આતંક મચાવવાનું શરૂ કર્યું છે. ઈભલા ગેંગે આવી જ એક મારામારી મક્કમ ચોક પાસે સ્કૂટર અથડાવા બાબતે કરતા ભયનું વાતાવરણ ફેલાઈ જવા પામ્યું હતું. ફરિયાદ નોંધાતા એ-ડિવિઝન પોલીસ દ્વારા ઈભલાના બે ભાઈ સહિત ત્રણને દબોચી લેવામાં આવ્યા હતા.
આ અંગે ગોંડલ રોડ પર મહાદેવ મંદિરની સામે લોધેશ્વર સોસાયટીમાં રહેતા જયદીપ રહેતા ભીખુભાઈ જરિયા (ઉ.વ.28 )એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે તેનો મોટોભાઈ રવિ અને પિતરાઈ ભાઈ આકાશ સ્કૂટર લઈને જઈ રહ્યા હતા ત્યારે મક્કમ ચોક પાસે એક સ્કૂટર સાથે વાહન અથડાયું હતું જેના કારણે સ્કૂટર ચલાવી રહેલા બન્ને શખસોએ ગાળાગાળી અને ઝઘડો શરૂ કરી દીધો હતો.
ભાઈનો ફોન આવતા જ જયદીપ તુરંત દોડી ગયો હતો પરંતુ ત્યાં સુધીમાં બે શખસો રવિ પર છરીથી તૂટી પડ્યા હતા. આ પછી એક શખસ તાવીથો લઈને આકાશ પર હુમલો કરી રહ્યો હતો. ત્યારબાદ અન્ય બે શખસો પણ ત્યાં ઘસી આવતાં ચારેયે મળી હુમલો કરતા માણસો ભેગા થઈ ગયા હતા.
આ અંગેનો વીડિયો વાયરલ થતાં જ એ-ડિવિઝન પોલીસ મથકના પીઆઈ બોરીસાગર, પીએસઆઈ રાણા, એલસીબી, ક્રાઈમ બ્રાન્ચ સહિતને દોડધામ શરૂ કરતા આ હુમલો કુખ્યાત ઈભલા ખાટકી ઉપરાંત તેના ભાઈ સલીમ કરીમ કાથરોણિયા, ફિરોઝ કરીમ કાથરોટિયા અને તેના મિત્ર પરેશ વાઘેલા દ્વારા કરવામાં આવ્યાનું ખુલતાં સલીમ, ફિરોઝ અને રમેશને પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
