મને માનસિક રીતે તોડી પાડી,ત્રાસ આપ્યો…એપ્સટિન પીડિતાનું કંપારી છૂટે એવું નિવેદન, એપ્સટિન સેક્સ ટ્રાફિકિંગના અંધારા પાસાની ઝલક
અમેરિકાના બદનામ ફાઇનાન્સિયર જેફરી એપ્સટિન વિરુદ્ધના કૌભાંડમાં એક પીડિતાએ પ્રથમવાર વિગતવાર આપવીતી જાહેર કરતાં આરોપ મૂક્યો છે કે એપ્સટિન વર્ષો સુધી માનસિક દબાણ, અપમાન અને ભય દ્વારા તેને પોતાના કાબૂમાં રાખતો હતો.
એક પ્રસાર માધ્યમ સાથેની ખાસ વાતચીતમાં રીના ઓહ નામની મહિલાએ જણાવ્યું કે જ્યારે તે 21 વર્ષની હતી ત્યારે તેના શરીર અંગે એપ્સટિન સતત અપમાનજનક ટીકા કરતો.અને પોતે “ખૂબ મોટી ઉંમરની” હોવાનું કહી માનસિક રીતે તોડી નાખતો હતો. તે સમયે એપ્સટિન આશરે 47 વર્ષનો હતો.
પીડિતાના જણાવ્યા મુજબ શરૂઆતમાં એપ્સટિન તેની પ્રશંસા કરતો, પરંતુ થોડા મહિના બાદ વર્તન બદલાઈ ગયું. “એ પહેલા ખૂબ સારી સારી વાતો કરતો, પછી ધીમે-ધીમે અપમાન શરૂ કર્યું. મારા શરીર વિશે ટિપ્પણીઓ કરતો, મારે શું કરવું તે કહેતો અને વારંવાર કહેતો કે હું હવે મોટી થઈ ગઈ છું,” એમ તેણે કહ્યું.
આ પણ વાંચો:એલિયન, UFO અંગેની તમામ ગુપ્તફાઇલો જાહેર કરવા ટ્રમ્પનો આદેશ: ગુપ્ત માહિતી જાહેર કર્યાંનો ઓબામા પર આક્ષેપ
રીના ઓહે દાવો કર્યો કે આ સતત અપમાનના કારણે તેને લાંબા ગાળાનું માનસિક નુકસાન થયું. બાળપણમાં પણ તે શોષણનો ભોગ બની હોવાને કારણે એપ્સટિન માટે તેને નિયંત્રિત કરવું સરળ બની ગયું હતું.
તેણે વધુમાં જણાવ્યું કે એક પ્રવાસ દરમિયાન તેને સમજાયું કે પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. “ફ્લોરિડાની યાત્રા દરમિયાન તેણે એવી વાતો કહી જે તેના સૌથી અંધારા પાસાઓ બતાવતી હતી. જ્યારે મેં તે બીજી યુવતીને કહી, ત્યારે મને ધમકી આપવામાં આવી. ત્યારથી હું બહાર નીકળી શકી નહીં,” એમ તેણે કહ્યું.
ભય પેદા કરી મજબૂરીનો ગેરલાભ ઉઠાવ્યો
પીડિતાના જણાવ્યા મુજબ એપ્સટિન વારંવાર પોતાના પ્રભાવશાળી સંપર્કોની વાત કરીને ભય પેદા કરતો. તે સમયે એ યુવતી પાસે સમયે કાયમી નિવાસ પરમિટ ન હતી. તેને લાગતું કે માત્ર એક ફોન કોલથી પોતાને નુકસાન થઈ શકે.તેના આ ડરનો એપ્સટિનએ ભરપૂર ગેરલાભ લીધો. પીડીતા કહ્યું કે તેને ખબર હતી હું ક્યાં રહું છું, મારા માતા-પિતા ક્યાં રહે છે. મને લાગતું હતું મારી ઉપર નજર રાખવામાં આવે છે.
ન્યાય માટે પોકાર
રીના ઓહે જણાવ્યું કે અંતિમ મુલાકાત દરમિયાન એપ્સટિન ખૂબ આક્રમક બન્યો હતો, ત્યારબાદ તેણે સંબંધ તોડી નાખ્યો અને ફોન કોલ્સનો જવાબ આપવાનું બંધ કરી દીધું, પરંતુ લાંબા સમય સુધી બોલવાની હિંમત કરી શકી નહીં. રીના ઓહે માંગણી કરી કે આ કેસમાં ઉચ્ચ પ્રોફાઇલ લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને પીડિતાઓને ન્યાય મળવો જોઈએ. તેણે ઉમેર્યું કે લોકો માને છે કે કોઈ સાંભળતું નથી, પરંતુ તેમણે મજબૂત રહેવું જોઈએ. જવાબદારી નક્કી થવી જ જોઈએ.
