‘તને ભડાકે દઈ દેવો છે’, વાડીમાં ચાલવા પ્રશ્ને ગોંડલના ઘોઘાવદર ગામે ફાયરિંગ
ગોંડલના ઘોઘાવદર ગામે ખાંડાધાર ગામની સીમમાં આવેલી વાડીમાં ચાલવા પ્રશ્ને ઘણા સમયથી બે લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હોય આખરે આ મુદ્દે વાત ફાયરિંગ સુધી પહોંચી જતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ જેણે ફાયરિંગ કર્યું તેને માથામાં લાકડી લાગી જતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે વલ્લભભાઈ નાજાભાઈ મકવાણા (ઉ.વ.55)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત 24 મેએ ખાંડાધાર ગામની સીમમાં આવેલી પોતાની વાડીએ દીપક મોહનભાઈ ડાભી (રહે.ગોંડલ), લાલજી તખુભાઈ અને કરશન સહિતના ટ્રેક્ટર લઈને ધસી આવ્યો હતો. આ પછી વલ્લભભાઈ તેમજ તેમનો પુત્ર સુભાષ વાડીએ પહોંચ્યા હતા. વલ્લભભાઈ અને દીપક ડાભી વચ્ચે રસ્તાનો વિવાદ ચાલી રહ્યો હોય એ જ રસ્તે દીપક સહિતના ઉભા હોય તેમને રસ્તાનો ઉકેલ ન આવે ત્યાં સુધી અહીં ઉભા ન રહેવા કે ચાલવાની ના પાડી હતી.
આ પછી થોડી જ વારમાં દીપક ડાભી જોટો બંદૂક લઈને ધસી આવ્યો હતો અને માથાકૂટ કરી `તને ભડાકે દઈ દેવો છે’ કહીને નાળચું વલ્લભભાઈ તરફ કરી ફાયરિંગ કરતાં ગોળી વલ્લભભાઈની બાજુમાંથી નીકળી ગઈ હતી. આ વેળાએ વલ્લભભાઈનો પુત્ર સુરેશે ત્યાં દોડી આવીને દીપક સાથે ઝપાઝપી કરી લાકડીનો ઘા માર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વાડીમાં રસ્તા બાબતનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો હોય અને આ અંગેનો કેસ મામલતદાર-ગોંડલ સમક્ષ ચાલતો હોય હજુ સુધી તેનો નિર્ણય આવ્યો નથી આમ છતાં દીપક ડાભી અને તેના માણસો અહીંથી ચાલી રહ્યા હોય માથાકૂટ થઈ હતી.