મારી પાસે કેટલી કાર છે એ મને યાદ જ નથી : દુનિયાના સૌથી અમીર ખેલાડી રોનાલ્ડો, જાણો કેટલા કરોડની સંપતિનો છે માલિક
પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો દુનિયાનો સૌથી અમીર ખેલાડી છે. 40 વર્ષીય રોનાલ્ડો શાહી જિંદગી જીવવા માટે વિશ્વભરમાં ઓળખાય છે. તેની પાસે દુનિયાની સૌથી મોંઘી કાર નહીં પરંતુ તેનો જથ્થો છે. સ્થિતિ એવી છે કે રોનાલ્ડોને પોતાને ખબર નથી કે તેની પાસે કેટલી કાર છે ! તાજેતરમાં જ રોનાલ્ડોએ એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. ખાસ વાત એ પણ છે કે રોનાલ્ડો દુનિયાનો પહેલો અબજોપતિ (બિલિયોનર) છે.
રોનાલ્ડોની કુલ સંપત્તિ 10636 કરોડ રૂપિયા છે. તેને દર વર્ષે 2038 કરોડ રૂપિયા યૂએઈની ફૂટબોલ ક્લબ અલ નાસર ચૂકવે છે. રોનાલ્ડોને જ્યારે તેની કાર અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે હસતાં-હસતાં કહ્યું કે ઈમાનદારીથી કહું તો મને આ અંગેની કોઈ જ જાણકારી નથી. જો મારા સાથે કોઈ શરત લગાવે તો હું કહીશ કે કદાચ કારની સંખ્યા 40થી 42 જેટલી હશે !
એકંદરે રોનાલ્ડો પાસે કુલ 256 કરોડ રૂપિયાથી વધુની કિંમતની કાર છે. તે અત્યારે સઉદી અરબ પ્રો-લિગમાં અલ નાસર વતી રમે છે અને પોતાના પરિવાર સાથે ત્યાં જ રહે છે. તેની મહત્તમ કાર તેના સઉદી અરબ સ્થિત ઘરના ગેરેજમાં જ છે.
37.31 કરોડના ખર્ચે દુનિયાની સૌથી મોંઘી ‘બુગાટી ટૂરબિલોન’ ખરીદી
રોનાલ્ડોએ તાજેતરમાં જ દુનિયાની સૌથી મોંઘી કારમાં જેની ગણતરી થાય છે તે બુગાટી ટૂરબિલોન ખરીદી છે. આ કારની કિંમત 37.31 કરોડ રૂપિયા છે. રોનાલ્ડોએ કહ્યું કે આ કાર તેણે રોકાણ સ્વરૂપે ખરીદી છે. અત્યારે આ કાર દુનિયાના માત્ર દસ લોકો પાસે જ છે.
ટ્રાફિકને કારણે કાર નથી ચલાવતો…!
રોનાલ્ડોએ એમ પણ કહ્યું કે અલ નાસર ટીમે તેને બીએમડબલ્યુ કાર ભેટમાં આપી છે પરંતુ સઉદી અરબમાં ટ્રાફિક વધુ હોવાને કારણે તે બહુ ઓછું ડ્રાઈવ કરે છે. તે જ્યારે પ્રેક્ટિસ કરવા માટે જાય છે ત્યારે બીએમડબલ્યુ કાર ચલાવે છે.તેણે સૌથી પહેલી મોંઘી કાર પોર્શ કેયન અંદાજે 78 લાખ રૂપિયામાં ખરીદી હતી.
કાર મામલે મેવેદર કરતા હજુ પણ રોનાલ્ડો પાછળ
રોનાલ્ડો પાસે ભલે 42 કાર હોય પરંતુ તે બોક્સર મેવેદર કરતા હજુ પણ પાછળ છે. મેવેદર પાસે 1772 કરોડ રૂપિયાની 100 કાર છે. ત્યારબાદ રોનાલ્ડો આવે છે તેની પાસે 256 કરોડની 42 અને ત્યારબાદ ફૂટબોલર લિયોનલ મેસ્સી આવે છે જેની પાસે 319 કરોડ રૂપિયાની 24 કાર છે.
