“ચિંતા-જિંદગીથી કંટાળી પગલું ભરું છું”…રાજકોટના જીવરાજ પાર્ક પાસે નિવૃત પોલીસમેને ઝેરી દવા પી કર્યો આપઘાત
રાજકોટ જીવરાજ પાર્ક પાસે એલીના એન્કલેવ એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત પોલીસમેને પત્નીને દૂધ લેવા માટે મોકલીને પાછળથી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અહીં રહેતા રહીશોમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પોતે ” ચિંતા-જિંદગીથી આ પગલું ભર્યું છે” તેવું લખ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગની વિગતો મુજબ, જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ નજીક આવેલ એલીના એન્કલેવ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 102 માં રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાણી (ઉંમર.71) એ રવિવારે સાંજના ઘરે પત્નીને દૂધ લેવા જવાનું કહીને બહાર મોકલ્યા બાદ પાછળથી ઝેરી દવા પી લીધી હતી. કિશોરભાઈના પત્ની ઘરે આવતા પતિને બેભાન જોઈ જતા દેકારો કરી મૂક્યો હોય જેથી આજુબાજુના પાડોશી દોડી આવ્યા હતા. કોઈ 108 ને જાણ કરતાં આવેલ તબીબે કિશોરભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો :રાજકોટની મારવાડી યુનિ.ના છાત્રનો આપઘાત : હોસ્ટેલથી નીકળ્યાના 20 મિનિટ બાદ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને કિશોરભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે માનસિક ટેન્શન અને જિંદગીથી કંટાળી થઇને આ પગલું ભરી રહ્યા હોવાનો લખાણ હતું. મૃતકને સંતાનમાં ત્રણ દીકરા છે. બનાવ બાબતે પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
